Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

બનાસકાંઠાની વધુ બે તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે :હવે કુલ આઠ તાલુકા પંચાયતમાં પંજો

કુલ 14 તાલુકા પંચાયત પૈકી 12 માં બંને પક્ષને 6-6 પંચાયતમાં જીત મળી હતી ;બે માં ટાઈ પડતા ચીઠ્ઠી ઉછાળી નિર્ણય કરતા બંનેમાં કોંગ્રેસ ફાવી

 

બનાસકાંઠા ;બનાસકાંઠાની વધુ બે તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે અને હવે કુલ આઠ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હાથમાં સતા આવી છે બનાસકાંઠાની કુલ 14 પૈકી 12 તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે 6-6 પંચાયતોમાં જીત મેળવી હતી. જ્યારે બાકીની બે તાલુકા પંચાયતમાં ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો હતો. જે બંને કોંગ્રેસના ફાળે જતાં કોંગ્રેસે હવે કુલ 8 તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો છે.

   બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં 6 પર ભાજપ અને 6 પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો હતો. જ્યારે લાખણી અને દિયોદર એમ બે તાલુકા પંચાયતમાં ટાઈ પડી હતી.પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ પડેલી બંને તાલુકા પંચાયતમાં પંચાયત ધારા મુજબ ચૂંટણી અધિકારીએ બંને પક્ષના ઉમેદવારોના નામ મુકી ચિઠ્ઠી ઉપડાવી હતી. જેમાં બંને જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોના નામ નીકળતા બંને પંચાયત પર કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી.અગાઉ ભાજપ પાસે 10 તાલુકા પંચાયત હતી. તેમાંથી હવે માત્ર 6 તાલુકા પંચાયત પર ભાજપની સત્તા રહી છે. જ્યારે કે કોંગ્રેસે 8 તાલુકા પંચાયત પર કબજો મેળવ્યો છે.

 બનાસકાંઠાની તમામ તાલુકા પંચાયતમાં હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ કુલ 14 તાલુકા પંચયાત પૈકી કોંગ્રેસે દાંતા, વડગામ, લાખણી, દિયોદર, ભાભર, પાલનપુર, દાંતીવાડા અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી છે. જ્યારે ભાજપે અમીરગઢ, ડીસા, સુઇગામ, વાવ, થરાદ અને ધાનેરા એમ કુલ 6 તાલુકા પંચાયત પર સત્તા મેળવી છે. બનાસકાંઠા જીલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે વિધાનસભામાં બહુમતી મેળવ્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પલડું મજબૂત રહ્યું છે.

(9:31 am IST)