Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અમદાવાદ અને સુરતમાં ૧૪૪ની કલમ લાગુ છતાં ભાજપના કાર્યકરો ખેસ અને બેનર સાથે સ્‍કૂલે પહોંચી ગયા

અમદાવાદઃ સરકારે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા દરમ્‍યાન સ્‍કૂલ આસપાસના વિસ્‍તારોમાં ૧૪૪ની કલમ લાગુ કરી છે. આમ છતાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં કેટલાંક પરીક્ષા કેન્‍દ્રો ખાતે ભાજપના ઉત્‍સાહી કાર્યકરો અને આગેવાનો પક્ષનો ખેસ અને બેનરો લઇ પરીક્ષા કેન્‍દ્રવાળી સ્‍કૂલો ખાતે પહોંચી ગયા હતાં.

અમદાવાદની રાણીપની નવસર્જન સ્કૂલ પર કાર્યકરો આ પ્રકારે ખેસ સાથે પહોંચ્યા હતા. જ્યારે સુરતમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને મનોબળ વધે તે માટે સામાજિક સંસ્થા  અને ભાજપના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી શુભકામના પાઠવવામાં આવી હતી. અનેક સ્થળે વિદ્યાર્થીઓને ચોકલેટ અને બોલપેનનું વિતરણ કરી પરીક્ષાની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી. પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં ઉત્સુકતાની જોવા મળી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓના મોઢા પર ચિંતા પણ જોવા મળી હતી.

રાજકોટ : રાજકોટમાં વહેલી સવારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા. રાજકોટ જિલ્લાના 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા છે. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીનું મોં મીઠું કરાવી અને ગુલાબના પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. સીસીટીવી અને ટેબ્લેટ દ્વારા પરીક્ષામાં ચોરી રોકવા માટે વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

(5:36 pm IST)