Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ગેસ કટરથી એટીએમ કાપી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ

તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહેતાં ભાગી ગયા : ગેસ કટરથી એટીએમ કાપવાના કારણે લાખોનું નુકસાન પોલીસે સીસીટીવી ફુટેજના આધાર ઉપર તપાસ આરંભી

અમદાવાદ,તા.૧૩ : શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીએ જાણે માઝા મૂકી છે. હત્યા, લૂંટ, ચોરી, તફંડચી જેવા બનાવો દિનપ્રતિદિન વધતાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. તસ્કરો પણ પોલીસથી બચવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. નરોડા વિસ્તારમાં તસ્કરોએ એટીએમ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, એટીએમ તોડવામાં નાકામિયાબ રહેલા તસ્કરો કંટાળીને જતા રહ્યા હતા. પરંતુ તેમના પ્રયાસથી ગેસ કટરથી એટીએમ કપાતાં એસબીઆઇ બેંકને અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ અંગેની વિગત એવી છે કે, નરોડા વિસ્તારમાં આવેલા પટેલકુંજ જશવંત કોલોની પાસે થોડા દિવસ પહેલાં એસબીઆઇના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા. જાહેર રોડ પર આવેલા એસબીઆઈના એટીએમમાં તસ્કરોએ ગેસ કટર, સિલિન્ડર અને કેટલાંક સાધનો લઈને ઘૂસી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એટીએમ ન કપાતાં તેઓ કંટાળીને પરત ફર્યા હતા. તસ્કરોએ એટીએમમાં કોમેસ્ટિક ડોર તથા પ્રેઝન્ટર, સેફ ડોર ગેસ કટરથી કાપતાં ૨.૫૦ લાખનું નુકસાન કર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં નરોડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ભારે મહેનત બાદ પણ તસ્કરોએ એટીએમ તોડવામાં નાકામિયાબ રહેતા તે ગેસ સિલિન્ડર સહિત ગેસ કટર એટીએમમાં મૂકીને નાસી છુટ્યા હતા. નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ અંગે તપાસ શરૂ છે. ઉલ્લેખનીય છે કે નરોડા વિસ્તારમાં દેવી કોમ્પ્લેક્સ પાસે લોકોની અવરજવર રહેતી હોય છે. આ રસ્તા પર લોકો આવતા જતા હોવા છતાં તસ્કરો એટીએમમાં ચોરી કરવા ઘૂસી ગયા હતા. એટીએમ સેન્ટર ઉપર એક પણ સિક્યોરિટી ગાર્ડ ન હોવાને કારણે આવી ચોરીને તસ્કરો અંજામ આપતા હોય છે. અગાઉ પણ શહેરમાં આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે ત્યારે પોલીસ અને બેંક સત્તાધીશોએ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.

(8:12 pm IST)