Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વડોદરામાં સગીરા સાથે પાર્કિંગમાં ઉભેલી બસમાં દુષ્કર્મ :પાડોશી બન્યો હેવાન:બે મિત્રો થયા કાળા કામના મદદગાર

સગીરાના પાડોશમાં રહેતા કિશોરે દુષ્કર્મ આચર્યં :કિશોરના અન્ય બે મિત્રોએ બસની બહાર ચોકીદારી કરી:તમામ આરોપીઓ પોતાના વતન ભાગી ગયા

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે થયેલા સામુહિક દુષ્કર્મના આરોપી હજી પકડાયા નથી ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટનાએ સંસ્કારી નગરી વડોદરાની કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉભા કરી દીધા છે.વડોદરાના ન્યુ.વી.આઇ.પી રોડ પર પાર્કિંગમાં ઉભેલી બસમાં સગીરા સાથે થયેલ દુષ્કર્મની ઘટનાએ શહેર પોલીસને દોડતી કરી દીધી છે.

વડોદરાના ન્યુ વી.આઇ.પી રોડ પર આવેલા રેવડીયા મહાદેવ મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં શ્રમિકો ઝુંપડા બાંધીને વસવાટ કરે છે અને છુટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.જ્યાં આશરે 10 દિવસ પહેલા પોતાના પરિવાર સાથે રહેતી એક સગીરા પોતાના ઘર કામ અર્થે બહાર નીકળી હતી.ત્યારે તે સમયે તેના પાડોશમાં રહેતા અને અગાઉ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અને અન્ય બે યુવાનોએ તે સગીરાનો પીછો કર્યો હતો.રસ્તામાં સગીરા ન્યુ વી.આઇ.પી રોડ પર પાર્ક કરેલી બસની પાછળ લઘુશંકાએ જતા ત્યાં આ કિશોર અને તેના બે મિત્રો પહોંચી ગયા હતા.બાદમાં આ ત્રણેય યુવાનો તે સગીરાને બસમાં ખેચી લઇ ગયા હતા.જ્યાં સગીરાના પાડોશમાં રહેતા કિશોરે તેની સાથે દુષ્કર્મ આચર્યં હતું.અને તે કિશોરના અન્ય બે મિત્રોએ બસની બહાર ચોકીદારી કરી હતી.દુષ્કર્મ બાદ તમામ આરોપીઓ પોતાના વતન ભાગી ગયા હતા.

 

સમગ્ર મામલે સગીરાએ પરિવારે જાણ કરતા પરિવારે પોલીસની જગ્યાએ પોતાના સમાજના પંચ પર ભરોસો કર્યો.પરિવાર સગીરાના ન્યાય માટે પોતાના વતન મધ્યપ્રદેશ ગયો.પરંતુ સગીરાના પરિવારનું ત્યાં સાંભળવાવાળું કોઇ નહોંતુ.અંતે તેઓએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક સાંધ્યો પરંતુ ત્યાંથી પણ નિરાશા જ હાથ લાગી.આખરે સગીરાના પરિવારજનોએ વડોદરા આવીને હરણી પોલીસ સ્ટેશને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી.

હરણી પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તરત જ ત્રણ અધિકારીઓની એક ટીમ બનાવી ટેક્નિકલ અને બીજા અનેક પાંસાઓથી તપાસ શરૂ કરી દીધી.પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે દુષ્કર્મ કરનાર આરોપી પણ સગીર છે.તેને આ દુષ્કર્મમાં મદદ કરનાર બે મિત્રો પૈકી એક મિત્ર બસનો ડ્રાઇવર છે.તપાસના અંતે અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે હરણી પોલીસે હાલ તો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીઘી છે.અને કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.હરણી પોલીસે ભલે દુષ્કર્મના આરોપીઓને પકડી લીધા હોય પરંતુ આ ઘટનાથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.શહેરના જાહેર માર્ગ પર પાર્કિંગમાં ઉભેલી બસમાં સગીરા સાથે થયેલ દુષ્કર્મ એ ખરેખર સભ્ય સમાજ માટે એક ચિંતાજનક ઘટના છે.

(8:56 pm IST)