Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પતંગની સાથે ઉંધિયું-જલેબીના ભાવમાં પણ દસ ટકા જેટલો વધારો

શહેરમાં ઠેર ઠેર ઊંધિયા-જલેબીની હાટડીઓ ઉભી થઈ ગઈ

અમદાવાદ, તા. ૧૩ :. મકરસંક્રાંતિ-ઉત્તરાયણ એટલે પતંગરસિકોનો તહેવાર. અમદાવાદના તમામ વિસ્તારના દરેક એપાર્ટમેન્ટ-ટેનામેન્ટ સહિતની નાની-મોટી ઈમારતના ધાબા અને અગાસી ઉપર વહેલી સવારથી પતંગના શોખીનો પતંગ ચઢાવવાની સાથે સાથે ઉંધિયા-જલેબી, ચીકી, બોર વગેરેની જયાફત પણ માણશે. ધાબા પર મોટે-મોટેથી વાગતા ફિલ્મી ગીતો સાંભળવા એક દિવસ માટે ભાડે લેવાતા લાઉડ સ્પીકરના ભાવ ૧૫૦૦થી વધીને સીધા ૫૦૦૦ થયા છે તો ઉંધિયાનો બજારભાવ રૂ. ૩૬૦ પ્રતિકિલોથી રૂ. ૪૫૦ અને જલેબી રૂ. ૪૦૦થી ૬૦૦ના ભાવે વેચાઈ રહી છે. ગત વર્ષની તુલનાએ ઉંધિયા-જલેબીમાં ૧૦ ટકાનો ભાવ વધારો થયો છે.

ઉત્તરાયણ એટલે અમદાવાદીઓ માટે પતંગ બાદ ઉંધિયા-જલેબી અને કચોરીની જયાફત માણવાનો દિવસ, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં ઊંધિયા-જલેબીના સ્ટોલ ઠેર ઠેર લાગ્યા છે. ઊંધિયુ અને જલેબી લેવા માટે શહેરીજનો રૂપિયા આપીને ઊંધિયુ ખરીદવા માટે સવારથી લાઈનમાં જોવા મળશે. ઉત્તરાયણ પર્વે શહેરીજનો હજારો કિલો ઉપરાંતનું ઊંધિયુ તથા જલેબી અને લીલવા કચોરી ઝાપટશે. ચાલુ વર્ષે લીલા શાકભાજીના ભાવ પ્રમાણમાં સામાન્ય છે, છતાં ઊંધિયાના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો થયો છે.

(3:42 pm IST)