Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

અમદાવાદના પતંગ બજારમા તેજી : છેલ્લી ઘડીએ ખરીદીની ભીડ : ઉત્તરાયણ લઈને ઉત્સવી માહોલ

દિલ્‍હી દરવાજા બજારમાં મોડી રાત સુધી તીવ્ર રોશનીમાં પતંગદોરીના વેચાણ જારી રહેશે.

અમદાવાદમાં એકાએક પતંગબજારમાં તેજી આવી છે. ઉત્તરાયણ પૂર્વે પતંગ બજાર હવે લોકોથી ઉભરાઈ રહ્યુ છે.પતંગોત્‍સવને લઈને દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરંપરાગત ગણાતા દિલ્‍હી દરવાજા બજારમાં હાઉસફુલની સ્‍થિતિ જોવા મળી રહી છે. દિલ્‍હી દરવાજા બજારમાં લોકો ખરીદી માટે મોટા પાયે ઉમટી રહ્યા છે. માત્ર મોટી દુકાન ધરાવતા વેપારીઓ નહીં બલકે માત્ર સીઝનમાં જ જોવા મળતા કારોબારીઓ પણ કમરકસી ચુક્‍યા છે. રંગબેરંગી પતંગથી બજારો ઉભરાઈ ગયા છે.

જેમા જુદા જુદા પ્રકારના પતંગોની સાથે સાથે નવા આકર્ષણવાળા પતંગોની પણ બોલબાલા જોવા મળી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કિંમતોમાં આંશિક વધારો રહ્યો હોવા છતાં પતંગબાજો . ખરીદીમાં ઉમટી પડયા છે. દિલ્‍હી દરવાજા બજારમાં મોડી રાત સુધી તીવ્ર રોશનીમાં પતંગદોરીના વેચાણ જારી રહેશે.

દર વર્ષની જેમ જ ઉત્તરાયણ પહેલાસૌથી વધુ ધસારો જોવા મળ્યો હતો.. મોટા ભાગે નોકરીમાં વ્‍યસ્‍ત રહેતા લોકો પણ  પણ ખરીદી કરવા માટે વહેલી સવારથી પહોંચી ગયા છે.. દિલ્‍હી દરવાજા બજારમાં સૌથી વધારે ઉત્‍સાહ જોવા મળે છે. આ ઉપરાંત માણેકચોક, ટંકશાળ અને અંકુર ચાર રસ્‍તા, નવા વાડજ પાસે મોટા બજાર ગોઠવાઈ ગયા છે. આ ઉપરાંત શહેરના તમામ વિસ્‍તારોમાં મોટી દુકાનોમાં પતંગો જોવા મળી રહ્યા છે. પતંગબાજો મુખ્‍યરીતે દોરી રંગાવવામાં વિશ્વાસ રાખે છે.

રેડીમેઈડ દોરી ખરીદવાના બદલે જાણકાર પતંગબાજો હમેશા ઉભા રહીને દોરી રંગાવવામાં વિશ્વાસ રાખે છે જેથી પતંગોની મોટી દુકાનની બાજુમાં દોરી રંગનાર લોકો પણ વ્‍યસ્‍ત થઈ ગયા છે જે જુદા જુદા રંગની પગંતબાજોની ઇચ્‍છા મુજબના રંગની દોરી રંગી આપે છે. આ વખતે પણ સૂરતની દોરીની બોલબાલ સૌથી વધારે જોવા મળી રહી છે.

(1:15 pm IST)