Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ચાલુ વર્ષે નિવૃત થશે ચીફ સેક્રેટરી સહિત ૨૨ IAS ઓફિસરો

ચીફ સેક્રેટરી અનિલ મુકિમ ઓગસ્ટમાં નિવૃત થશેઃ એડી. ચીફ સેક્રેટરી કક્ષાના ૫ ઓફિસરો પણ આ વર્ષે નિવૃત થશે : ૩ જીલ્લા કલેકટરો અને પાંચ ડીડીઓ પણ નિવૃત થશેઃ જો કે કેટલાકને મળશે એકસટેન્શન

અમદાવાદ, તા. ૧૩ :. આ વર્ષે કુલ ૨૨ સીનીયર, ૨૨ બ્યુરોકેટસ, જેમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને પાંચ અધિક સચિવ કક્ષાના આઈએએસ અધિકારીઓ નિવૃત થશે. તેમાં ત્રણ કલેકટર અને ત્રણ જીલ્લા વિકાસ અધિકારીઓ પણ છે. આમાંથી કેટલાકને એકસટેન્શન મળવાની શકયતા છે. મુકીમ, કેન્દ્રના ખાણ ખનિજ ખાતામાં સચિવ તરીકે હતા ત્યાંથી ગયા મહિને અહીં મુખ્ય સચિવ તરીકે પરત આવ્યા છે, તે ઓગષ્ટમાં રીટાયર થવાના છે.

આ વર્ષે પ્રથમ રીટાયર થનાર અધિકારી ૧૯૮૫ બેચના દિનાનાથ પાંડે છે, તેઓ પર્સન્સ વીથ ડીસએબીલીટી વિભાગના કમિશ્નર છે અને ફેબ્રુઆરીમાં રીટાયર થશે. જીએસએફસી વડોદરાના ચેરમેન અને એમડી અરવિંદ અગ્રવાલ અને કેન્દ્રીય નાણાખાતામાં સચિવ અટાનુ ચક્રવર્તી એપ્રિલમા રીટાયર થશે.

જુલાઈમાં નિવૃત થનાર અધિકારીઓમાં ૧૯૮૫ બેચના પૂનમચંદ પરમાર, અધિક મુખ્ય સચિવ ખેતી અને કિસાન વિકાસ તથા એમ.એસ. પટેલ, કમિશ્નર મ્યુનિસિપલ વહીવટ અને પી.એલ. સોલંકી શેડયુલ કાસ્ટ વેલ્ફેરના ડાયરેકટરના નામ છે.

આ ઉપરાંત અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંગીતા સિંઘ, એસ.એમ. પટેલ, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી અને એ.જે. શાહ જીલ્લા વિકાસ અધિકારી, ગોધરા ઓકટોબરમાં નિવૃત થશે.

કેન્દ્રના ફાર્માસ્યુટીકલ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતા પી.ડી. વાઘેલા સપ્ટેમ્બરમાં રીટાયર થશે. તેમની સાથે ત્રણ અન્ય અધિકારીઓ નર્મદાના કલેકટર એમ.આર. કોઠારી, આદિજાતિ વિકાસના જોઈન્ટ સેક્રેટરી જે.આર. ડોડીયા અને સુરેન્દ્રનગરના જીલ્લા વિકાસ અધિકારી આર.બી. રાજ્યગુરૂ પણ રિટાયર થશે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સીઈઓમાંથી હાલમાં જ અધિક મુખ્ય સચિવનું પ્રમોશન મેળવનાર અનુરાધા મોલ નવેમ્બરમાં રીટાયર થવાના છે.

આ વર્ષે રીટાયર થનાર ત્રણ જીલ્લા કલેકટરો એમ. આર. કોઠારી (નર્મદા), સી.આર. ખરસન (વલસાડ) અને સી.જે. પટેલ (સાબરકાંઠા) અને ત્રણ જીલ્લા વિકાસ અધિકારીઓ એ.જે. શાહ (પંચમહાલ), આર.બી. રાજ્યગુરૂ (સુરેન્દ્રનગર) અને એસ.એમ. ખતના (મોરબી) છે. કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સિવાય રિટાયર થનારાઓની યાદીમાં સી.પી. નેમા, સીઈઓ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી, સી.એમ. પાડલીયા જોઈન્ટ સેક્રેટરી સામાજીક ન્યાય અને એ.એ. રામાનુજ, રાજ્ય ચૂંટણી પંચના જોઈન્ટ કમિશ્નરના નામ છે.

(11:58 am IST)