Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ઉના પીડિતોની રાષ્ટ્રપતિ પાસે માંગણી

જે દેશમાં ભેદભાવ ન હોય ત્યાં અમને મોકલી દયો

અમારી સાથે ભારતીય નાગરિક હોય તેવો વ્યવહાર નથી થતો

અમદાવાદ તા. ૧૩ : સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એકટ(CAA)ના વિવાદ વચ્ચે ઉના કાંડના પીડિતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને માગણી કરી છે કે જે દેશમાં ભેદભાવ ન કરવામાં આવતો હોય ત્યાં તેમને ડીપોર્ટ કરી દેવામાં આવે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેમની સાથે કયારેય ભારતના નાગરિક હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો નથી.

જુલાઈ ૨૦૧૬માં કથિત ગૌ રક્ષકો દ્વારા માર મારવામાં આવેલ અને અર્ધ નગ્ન અવસ્થામાં પરેડ કાઢવામાં આવેલા ચાર પૈકી દલિત ભાઈઓ પૈકી વશરામ સરવૈયાએ આ પ્રકારની માગણી કરી હતી. દલિત સમાજમાંથી આવતા સરવૈયા ભાઈઓએ સાથે આ ઘટના ત્યારે બની જયારે તેમણે મૃત ગાયનું ચામડું રોજીરોટી માટે ઉતાર્યું હતું.

૭ જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાના કલેકટરની ઉના પ્રાંત ઓફિસને તેમનીઆ અરજી મળી હતી. પીડિતોએ ફરિયાદ કરી કે તેમને માર મારનારા સામે કોઈ જાતના પગલા લેવામાં આવ્યા નથી. તેમણે કહ્યું આ ઘટના બાદ તેમને વાયદો કરવામાં આવ્યો હતો કે ખેતી માટે જમીન, ઘર માટે પ્લોટ અને નોકરી આપવામાં આવશે. કેમ કે આ ઘટના બાદ તેઓ ચર્મ ઉઘોગ સાથે જોડાયેલ કામ કરી શકે તેમ નથી. જોકે આ વાયદાઓ ફકત કાગળ પર જ રહ્યા અને તેમને હક્કો મળ્યો નથી.

ઉનાકાંડની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી. ગુજરાતથી લઈને દિલ્હી સુધી અનેક રાજનેતાઓથી લઈને વિવિધ સંગઠનોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. કેટલાય રાજનેતાઓ આ પીડિતોને મળવા તેમના ઘરે આવ્યા હતા અને ન્યાય ચોક્કસ અપાવશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે હવે વશરામ આરોપ મુકતા કહે છે કે 'સરકારી અધિકારીઓ અમારી સાથે એવી રીતે વર્તે છે કે જાણે અમે આ દેશના નાગરિક જ નથી. જો અમને સરકાર નાગરિક તરીકેના મૂળભૂત હક્કો આપવામાં સક્ષમ ન હોય તો અમારી નાગરિકતા રદ કરીને એવા દેશમાં ડીપોર્ટ કરવામાં આવે જયાં ભેદભાવ ન હોય.'

(11:36 am IST)