Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પૂર્વ વિદ્યાર્થીના સન્માન માટે ખાસ કાર્યક્રમ થયો

મ્યુનિ સ્કુલ બોર્ડના ૧૦૦ વર્ષ

 અમદાવાદ, તા.૧૨ : નગર પ્રાથમિક સમિતિ અમદાવાદના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં મ્યુનિસિપલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ રાજકીય, સામાજિક, આઇએએસ, આઇપીએસ, ડોકટર, પત્રકાર, વકીલ, સીએ સહિતના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા હોય કે આપ્યુ હોય અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ગૌરવ અપાવ્યું છે તેવા પૂર્વ વિદ્યાર્થીઓનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના ટાઉનહોલ ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે સ્કૂલ બોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ખુદ રાજ્યના કૃષિ વિભાગના અધિક સચિવ અને આઇએએસ પૂનમચંદ પરમાર, પૂર્વ આઇપીએસ એસ.એસ.ખંડવાવાલા, પૂર્વ મેયર અમિત શાહ, સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. જગદીશ ભાવસાર, જાણીતા પત્રકારો બિપીનકુમાર શાહ, મનોજ કે.કારીઆ, સિધ્ધાર્થ આચાર્ય, શૈલેષ નાયક, યોગેશ મિસ્ત્રી, જીગ્નેશ પરમાર અને ઓમકારસિંહ ઠાકુર સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્કૂલ બોર્ડના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ૧૦૦ વર્ષ પૂરા થયા છે.

             મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કાઠુ કાઢી સ્કૂલ બોર્ડનું ગૌરવ વધારનાર તેમ જ રાજ્ય અને રાષ્ટ્રમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવી છે તેવા તમામ વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓ આપણા રાજ્ય અને રાષ્ટ્રનું સર્વોચ્ચ નેતૃત્વ પુરુ પાડે અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ હાસલ કરે તેવી શુભકામના પાઠવું છું. ટેક્નોલોજિકલ અને ભૌતિક સુવિધાઓના માધ્યમથી એમાં ઘણો વધારો કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મોટું બજેટ પણ ખર્ચ કરી રહી છે સુવિધા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને વધુ સજ્જ કરીશું. જેના થકી સ્કૂલ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાયુકત શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

(9:28 pm IST)