Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

અમદાવાદમાં પતંગ બજારમાં જોરદાર તેજીનો માહોલ રહ્યો

પતંગ બજારોમાં ખરીદી કરવા લોકો ઉમટ્યા : દિલ્હી દરવાજા અને રાયપુર સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ : ભાવ આસમાને છતાં પણ ખરીદી

અમદાવાદ, તા. ૧૨ : અમદાવાદ શહેર અને રાજ્યમાં ઉતરાયણને લઈને જોરદાર તૈયારીઓ પતંગબાજોમાં ચાલી રહી છે. ઉતરાયણ પહેલાના રવિવારના દિવસે આજે તમામ મોટા પતંગ બજારમાં જોરદાર ખરીદીનો માહોલ મોડી રાત સુધી જારી રહ્યો હતો. પતંગ અને દોરીની કિંમતમાં એકાએક તીવ્ર વધારો પણ જોવા મળી રહ્યો છે. છતાં પતંગબાજો છેલ્લી ઘડીની ખરીદીને લઈને વ્યસ્ત રહ્યા હતા. પતંગના જાણકાર લોકો મુખ્ય બજારોમાં પહોંચ્યા હતા. બીજી બાજુ રાયપુર, દિલ્હી દરવાજા સહિતના પતંગ બજારમાં આજે સવારથી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.

            ખાસ કરીને બપોર બાદ ખરીદીનો જોરદાર માહોલ જામી ગયો હતો અને ઘણા લોકો પરિવાર સાથે ખરીદી કરવા પહોંચ્યા હતા. પતંગોના ભાવ ૧૮૦ રૂપિયાથી શરૂ થયા હતા. કિંમતી પતંગોની કિંમતો ૨૦૦ રૂપિયાથી ઉપર નોંધાઈ હતી. ચાઈનીઝ દોરી ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ હોવાથી તેના વેચાણને લઈને ઉદાસીનતા રહી હતી. મોટા પતંગોની કિંમતો વધારે નોંધાઈ હતી. ચાઈનીઝ તુક્કલ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવામાં આવેલો છે. બીજી બાજુ પતંગ રસિયામાં જુદા જુદા પ્રકારના નવી વેરાઇટીના પતંગોને લઈને ઉત્સુકતા રહી હતી. દર વર્ષની જેમ જ હવે ઉતરાયણના દિવસ સુધી ખરીદીનો જોરદાર માહોલ જારી રહી શકે છે.

આવતીકાલે ૧૩મી જાન્યુઆરીના દિવસે ખરીદીનો માહોલ હજુ જોરદાર બને તેમ માનવામાં આવે છે. બે દિવસ સુધી મોટાપાયે ખરીદી થનાર છે. પતંગ બજાર સાથે જોડાયેલા કારોબારી પણ મોડા સુધી વેચાણમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. પરિવારના અન્ય સભ્યો પણ વેચાણમાં કારોબારીઓની મદદમાં આગળ આવ્યા છે.

(9:18 pm IST)