Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

વિપક્ષોનું અસ્તિત્વ જોખમમાં છે માટે તેઓ ખેડૂતોના નામે સ્વાર્થ સાધવા નીકળી પડ્યા

ખેડૂતોને રાજકીય હાથો બનાવીને નકારાત્મકતા,ભ્રામક અપપ્રચાર ફેલાવવાના કુપ્રયાસોમાં વિપક્ષો વ્યસ્ત : આઈ,કે,જાડેજા

અમદાવાદ :ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે જાડેજાએ જણાવ્યુ હતું કે, કૃષિ સુધારાઓ અંગે દેશના ખેડૂતોને રાજકીય હાથો બનાવીને નકારાત્મકતા, ભ્રામક અપપ્રચાર ફેલાવવાના કુપ્રયાસો કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો દ્વારા થઈ રહ્યા છે. ભાજપ હંમેશા ખેડૂતો સાથે ઉભી રહી છે, કિસાન કલ્યાણ ભાજપ સરકારોની પ્રાથમિકતા રહી છે ત્યારે ખેડૂતો અને જનતા સુધી સરકાર દ્વારા અમલી બનાવાયેલા કૃષિ સુધારાઓ અંગેની માહિતી મીડિયાના માધ્યમથી પહોંચતી કરવી એ આપણી ફરજ છે. જમીનના કરારની કોઈ વાત જ નથી તેમ છતાંય ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્રની ભાજપા સરકારનું મન ખુલ્લું છે, વાતચીતના માધ્યમથી ખેડૂતોની શંકાઓ દૂર કરવા સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા મીડિયા વિભાગ તેમજ ટીવી ડિબેટ ટીમના સભ્યોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી બાદના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એકમાત્ર એવા પ્રધાનમંત્રી છે જેમણે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી અને તે પરિપૂર્ણ કરવાની દિશામાં નોંધપાત્ર પગલાં ભર્યા છે અને તેના સકારાત્મક પરિણામ પણ મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રજાલક્ષી શાસનને કારણે વિરોધપક્ષોના પગ નીચેથી જમીન સરકી રહી છે, તેમનું અસ્તિત્વ જોખમમાં છે માટે તેઓ ખેડૂતોના નામે પોતાનો સ્વાર્થ સાધવા નીકળી પડ્યા છે.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશ પ્રગતિના પંથે છે તે દેશની જનતાની સાથે સાથે વિશ્વને પણ ખબર છે, આ બાબત કોંગ્રેસ અને વિપક્ષોને ખૂંચે છે જેથી ખેડૂતોના નામે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાની કોશીષ કોંગ્રેસ સહિતના વિપક્ષો કરી રહયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવા કૃષિ સુધારાઓને અમલી બનાવ્યાં છે, વન નેશન, વન માર્કેટનો વિચાર મુક્યો છે. આજે કિસાન આંદોલનને હાથો બનાવીને ટુકડે ટુકડે ગેંગના સમર્થકો, વામપંથીઓ, ખાલિસ્તાનવાદીઓ પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરી દેશના શાંતિપૂર્ણ માહોલને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે.

બેઠક દરમિયાન સંવાદ સેતુના માધ્યમથી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજરોજ યોજાયેલી આ બેઠકનું સંચાલન પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંતભાઈ વાળાએ કર્યું હતું. બેઠકમાં અપેક્ષિત અન્ય આગેવાનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. બેઠક માટે જરૂરી આઈ.ટી.ને લગતી વવ્યવસ્થા IT અને સોશિયલ મીડિયા વિભાગના કન્વીનર પંકજભાઈ શુકલ તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ કે.સી.પટેલ અને શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મંત્રી અમિતભાઇ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક આજરોજ 12 ડિસેમ્બર સાંજે 7.00 કલાકથી શરૂ થઇ હતી. અને આવતીકાલે 13 ડિસેમ્બર, રવિવારે બપોર સુધી ચાલશે. આ ચિંતન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

(11:54 pm IST)