Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

કોરોના વાયરસના દર્દીઓમાં રહસ્યમય ફૂગનો ચેપ ફેલાયો

કોરોનાની લડાઈ વધુ ગંભીર બની : સાજા થનારામાં પણ આ પ્રકાર ફુગનો ચેપ જોવા મળે છે

અમદાવાદ, તા.૧૨ : ગુજરાત અને અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની લડાઈ વધુ ગંભીર બની રહી છે. નિષ્ણાંત ડોક્ટર્સે ચેતવણી આપતા કહ્યું કે રાજ્યમાં કેટલાક કોરોના વાયરસના દર્દીઓમાં ભાગ્યે જ જોવા મળતી અને ગંભીર પ્રકારની ફૂગનો ચેપ જોવા મળી રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. તેમાં પણ આ ફૂગ ફક્ત કોરોના સામે લડી રહ્યા હોય તેવા જ દર્દી નહીં પરંતુ તેનાથી સ્વસ્થ થઈ ગયા હોય તેવા દર્દીમાં પણ સમયાંતરે જોવા મળે છે.

અમદાવાદ શહેરના રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન પાર્થ રાણાએ જણાવ્યું કે હાલના જ સમયમાં તેમણે ૫ એવા કેસ જોયા જે મ્યુકોર્મિકોસિસ નામની ભાગ્યે જ દેખાતી ફૂગનું સંક્રમણ જોવા મળ્યું છે. આ ૪ કેસમાં ૨ દર્દીના મૃત્યુ સાથે તેનો મૃત્યુદર ૫૦ ટકાની આસપાસ છે. મહત્વનું છે કે આ ચાર કિસ્સામાં તમામ દર્દીઓ પુરુષો હતા અને તેમની ઉંમર પણ ૩૪થી ૪૭ વયની હતી. આ ઉપરાંત શુક્રવારે રાત્રે ૬૭ વર્ષના ભૂજના એક વૃદ્ધ વ્યક્તિને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં અમદાવાદ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. દર્દીની આંખમાં આ ફૂગના સંક્રમણથી આંખોની પૂતળી વધારે પડતી પહોળી થઈ ગઈ હતી તેની જગ્યાએથી બહાર આવી ગઈ હતી.

ડો. રાણાએ કહ્યું કે, 'આ તમામ દર્દીઓનો મેડિકલ ઇતિહાસ સુગર જેવી બીમારી રહી છે. તેમજ તેમણે સ્ટેરોઇડ જેવી ભારે દવાઓ પણ લીધી હોવાનું સામે આવ્યું છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હતી. અમને લાગે છે કે આ બંને સ્થિતિના કારણે દર્દીઓમાં ફૂગ વધુ ઝડપથી ફેલાઈ હતી.' તેમણે કહ્યું કે કોવિડ-૧૯ મહામારી આવી તે પહેલા મ્યુકોર્મિકોસિસ નામની આ ગંભીર ફૂગ ભાગ્યે જ જોવા મળતી હતી અને તેનું સંક્રમણ ફેલાવાનો દર પણ ધીમો હતો જે ૧૫-૩૦ દિવસ જેવો સમય લેતું હતું. પરંતુ હાલના સમયમાં ૨-૩ દિવસમાં જ દર્દીઓમાં આ ફંગસ ફેલાઈ ગયાનું જોવા મળ્યું છે.

રાજ્યના જાણીતા સંક્રમણ રોગ નિષ્ણાંત ડો. અતુલ પટેલે કે જેઓ મ્યુકોર્મિકોસિસ ફંગલ ઇન્ફેક્શનના રાષ્ટ્રીય અભ્યાસમાં એક ભાગ હતા તેમણે પણ કોરોના દર્દીઓમાં વધી રહેલા મ્યૂકોર્મિકોસિસ ફંગલ ઇન્ફેક્શનને લઈને ચેતવણી ઉચ્ચારી છે.

ડો. પટેલે કહ્યું કે, 'છેલ્લા ૩ મહિનામાં અમે કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓ પૈકી ૧૯ એવા કેસ જોયા છે જેમાં દર્દીને પાછળથી મ્યુકોર્મિસિસનું સંક્રમણ થયું હોય. મહામારી પહેલા આ ગંભીર ફૂગના સંક્રમણના કેસ જે રીતે જોવા મળતા હતા તેના કરતા આ વખતે ૪.૫ ગણા વધુ જોવા મળી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે અને તમામ સારવાર આપતા ડોક્ટર્સે આ અંગે સાવધાની રાખવી જોઇએ કારણ કે આ બીમારીમાં મૃત્યુદર ૫૦ ટકા જેટલો છે.' ડો. પટેલે કહ્યું કે, દર્દીમાં નબળું સુગર કંટ્રોલ, સ્ટેરોઇડ જેવી ભારે દવાનું સેવન અને નબળી રોગપ્રતિકારક શક્તિ તેમજ હાયપર ઇન્ફ્લેમેશન જેવા કારણોથી કોવિડ-૧૯ દર્દી આ ફૂગ માટે ખૂબ જ સહેલા શિકાર બને છે અને દર્દી માટે તે મૃત્યુઘંટ વગાડે છે.

(8:56 pm IST)