Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સુરતમાં ચાના પૈસા માગતા કારીગરની ધોલાઈ કરી દીધી

મારામારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ : સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેના માટે પોલીસની અસામાજિક તત્વો પ્રત્યેની ઢીલી નીતિ જવાબદાર છે

સુરત,તા.૧૨ : સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેના માટે પોલીસની અસામાજિક તત્વો પ્રત્યેની ઢીલી નીતિ જવાબદાર છે ત્યારે ગતરોજ એક ચાની દુકાન પર ચા પીધા બાદ ચાના રૃપિયા માંગતા અસામાજિક તત્વો દ્વારા દુકાનમાં કામ કરતા કારીગરને મારમારવામાં આવ્યો હતો જોકે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે કાર્યવાહી શરૃ કરી હતી. આવી જીણી મોટી અનેક ઘટનાઓ સુરત શહેરમાં દિવસ દરમિયાન ઘટી જતી હોય છે પરંતુ પોલીસ ફરિયાદ સુધી ન પહોંચતા ઉજાગર થતી નથી. આ બનાવની વિગતો એવી છે કે ગતરોજ સુરતના ઝાપબજાર ખાતે આવેલી એક ચાની દુકાન પર ચા પીવા આવેલા કેટલાક અસામાજિક તત્વોએ ચા પીધા બાદ દુકાનદારે રૃપિયા માગતાની સાથે જ ખેલ શરૃ કર્યા હતા અને દુકાનમાં કામ કરતા કારીગરને મારમારવા લાગ્યા હતા. જોકે કારીગરે મારમારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસ કેસ કર્યો હતો.

          પોલીસે આ સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. સુરત શહેર આમ તો ડાયમંડ અને સિલ્ક સીટી તરીકે દેશમાં જાણીતું છે ત્યારે હાલમાં સુરતમાં વધી રહેલી ગુનાખોરીને લઇને સુરતને ક્રાઇમ સીટી તરીકેની બદનામી વહોરવાના દિવસો આવી રહ્યા છે અને આ ક્રાઇમની ઘટનાને લઇને સુરત જાણે કોઈ એવોર્ડ લેવા નીકળ્યું હોય તેવી શક્તયતાઓ પણ નકારી નથી શકાતી કારણકે સુરત માં સતત હત્યા, હત્યાના પ્રયાસ અને બળાત્કાર ઘટના સામે આવી રહી છે. જોકે પોલીસ નિષ્ક્રિયતા પગલે સુરત ગુનાખોરી સાથે ગુનેગારો બેફામ બન્યા છે. સુરત શહેરમાં જાહેરમાં સરેઆમ મારામારી, ખૂનખરાબો થઈ રહ્યો છે. સુરતના નવા પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ લેતા સમયે ખોખારો ખાઈને કહ્યું હતું કે અસામાજિક તત્વોની દાદાગીરી સુરતમાં ચલાવી લેવામાં નહીં આવે પરંતુ સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી લોહિયાળ પ્રવૃત્તિની ફરિયાદ ન આવી હોય એવો એક પણ દિવસ પસાર થતો નથી ત્યારે પોલીસ કમિશનર જાતે આવા મામલાઓને ડામી દેવા પ્રયાસ કરે તેવી માંગ ઉઠી રહી છે. સુરતમાં અનેક પ્રકારના વ્યવસાયો હોવાના કારણે જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા લોકો આવે છે અને તેમની સાથે સાથે ગુનાખોરી વધતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

(8:53 pm IST)