Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજ્યની ઈ-લોકઅદાલતમાં પડતર 10,803 કેસ અને પ્રિ-લીટીગેશન 1580 કેસ મળીને કુલ 12,383 કેસનો નિકાલ

કુલ રૂ. 1,67,99,33,100ની રકમનાં સમાધાન થયેલ : સૌથી વધુ અમદાવાદની મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટ ખાતે કુલ 1469 કેસોનો નિકાલ

અમદાવાદ : રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યૂ દીલ્હીના આદેશ અનુસાર આજે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્યની સમગ્ર અદાલતોમાં પ્રથમ વખત ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. e-Lok Adalat

આજ રોજની ઇ-લોક અદાલતનાં દિવસે સમગ્ર રાજ્યમાંથી પડતર 10,803 કેસો તથા પ્રી-લીટીગેશન 1580કેસો મળીને કુલ 12, 383કેસોનો નિકાલ થયેલ છે તથા કુલ રૂ. 1,67,99,33,100ની રકમનાં સમાધાન થયેલ છે, જે કારણોસર કોર્ટોમાં કેસોનું ભારણ ઘટાડી શકાયું છે.

આજનાં દિવસે અમદાવાદની મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટ ખાતે કુલ 1469 કેસોનો નિકાલ થયેલ છે જે રાજ્યની તમામ અદાલતોમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, જીલ્લા ન્યાયાલય સુરત ખાતે કુલ 999 કેસોનો નિકાલ થયેલ છે, જે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે

 રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્વારા નોમીનેટ થયેલ સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ. આર. શાહના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન-ઇન-ચીફ વિક્રમનાથના નેતૃત્વ અને સુચના મુજબ તેમજ ન્યાયમૂર્તિ આર. એમ. છાયા, અને કારોબારી અધ્યક્ષ, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અને ન્યાયમૂર્તિ બી. એમ. ત્રિવેદી અને અધ્યક્ષ તેમ જ હાઇકોર્ટ કાનુની સેવા સમિતિનાં માર્ગદર્શન હેઠળ રાજ્યનાં દરેક જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષને ઇ-લોક અદાલતના દિવસે વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આથી રાજ્યમાં આયોજીત કરવામાં આવેલ પ્રથમ ઇ-લોક અદાલતને ભવ્ય સફળતા પ્રાપ્ત થયેલ છે અને હાલની કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં પણ, કોર્ટોમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવામાં ઇ-લોક અદાલતનાં માધ્યમથી ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, રાજ્યના ન્યાયતંત્રને મદદરૂપ થયેલ છે

(7:05 pm IST)