Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગુજરાતમાં બીટીપી- કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું : ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કહ્યું રાજસ્થાનમાં કોંગ્રેસે ગદ્દારી કરી

નર્મદા-ભરૂચ જિલ્લા પંચાયતમાં BTP એ કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું :વસાવાએ #BJPकोंग्रेसएकहै એવા હેસટેગ સાથે ટ્વિટર પર ટ્રેન્ડ કરવા સમર્થકોને આહવાન કર્યું: હવે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણી BTP એ એકલે હાથે લડવાનો નિર્ણય: રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયતમાં BTP ની બહુમતી હોવા છતાં કોંગ્રેસ-ભાજપે હાથ મિલાવી લેતા ભાજપ વિજયી બીટીપી ઉમેદવાર એક મતે હાર્યા

અમદાવાદ : રાજસ્થાન સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામની સીધી ઈફેક્ટ ગુજરાતના રાજકારણમાં પડી છે.રાજસ્થાન ડુંગરપુર જિલ્લા પંચાયતમાં BTP ની બહુમતી હોવા છતાં કોંગ્રેસ-ભાજપે હાથ મિલાવી લેતા ભાજપની મહિલા ઉમેદવાર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે, જ્યારે સામે BTP ઉમેદવાર ફક્ત એક મતે હારનો સામનો કરવો પડ્યો છે.કોંગ્રેસે ભાજપને ટેકો આપતા એની સીધી અસર ગુજરાતમાં પડી છે, નર્મદા-ભરૂચ જિલ્લા પંચાયતમાં BTP એ કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે.હવે આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણી BTP એ એકલે હાથે લડવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના ઝઘડિયાના BTP ના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસે BTP સાથે ગદ્દારી કરી છે, અમે નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડીએ છીએ, આજે રાજસ્થાને જ નહિ પણ આખા દેશના લોકોએ લોકશાહીની હત્યા કરનાર બન્નેવ પાર્ટીનો અસલી ચહેરો જોઈ લીધો છે.બીજી બાજુ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ #BJPकोंग्रेसएकहै એવા હેસટેગ સાથે ટ્વિટર પર ટ્રેન્ડ કરવા પોતાના સમર્થકોને આહવાન પણ કર્યું છે

નર્મદા જિલ્લા BTP અધ્યક્ષ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયતમાં પ્રમુખની ચૂંટણીમાં ભાજપ સાથે હાથ મિલાવી BTP ને હરાવવાનું કામ કર્યું છે જેને પગલે રાજસ્થાન BTP ના 2 ધારાસભ્યોએ કોંગ્રેસ સરકાર માંથી પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે.નર્મદા-ભરૂચ જિલ્લા પંચાયતમાં પણ અમે કોંગ્રેસ સાથે અમે ગઠબંધન તોડી નાખ્યું છે.આવનારી તાલુકા, જિલ્લા પંચાયત ચુંટણીમાં અમે અમારા સ્વતંત્ર ઉમેદવારો ઉભા રાખીશું, અમારી સ્પષ્ટ બહુમતી આવશે જ, પણ જો કોઈને સ્પષ્ટ બહુમતી નહિ મળે તો અમે વિપક્ષમાં બેસીશું પણ કોઈને ટેકો તો નહિ જ આપીએ.

જ્યારે નર્મદા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ એક સિક્સની બે બાજુ છે.એક પાર્ટી પોતાને સાંપ્રદાયિક અને બીજી બિન સાંપ્રદાયિક કહે છે.આમા હિંદુ-મુસ્લિમ ઝઘડે છે અને ગરીબોનો મરો થાય છે.ભાજપ કોંગ્રેસે પુડ્ડીચેરીમાં, નર્મદા જિલ્લાના સાગબારમાં પણ હાથ મિલાવ્યો હતો, રાજસ્થાનમાં આ ત્રીજી ઘટના છે.ગરીબોની પાર્ટી આગળ આવે એ બન્ને પાર્ટીને ગમતું નથી.

(6:59 pm IST)