Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

કલોલ તાલુકા પોલીસે સઇજ ગુરુકુળ કટ નજીક વોચ ગોઠવીને બિનવારસી કારમાંથી 360 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે સઈજ ગુરુકુળ કટ પાસે વોચ ગોઠવી હતી જે દરમ્યાન કારને ઉભી રાખવા ઈશારો કરતા ચાલકે કાર ભગાવીને પલસાણા તરફ લઈ ગયો હતો. જયાં ખેતરમાં કાર મુકીને તે ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની ૩૬૦ બોટલો કબ્જે કરી હતી. ત્યારે પોલીસે ર.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ ગયેલા બુટલેગરની શોધખોળ શરૂ કરી હતી.

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે અને બુટલેગરો દ્વારા નાના મોટા ખેપિયાઓને દારૂનો જથ્થો પહોંચાડવામાં આવતો હોય છે અને ખેપિયાઓ દ્વારા તેનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સઈજ-ગુરુકુળ કટ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં એક કાર નં.જીજે-૦૧-આરએ-૭૭૮૨ને ઉભા રહેવાનો ઈશારો કરતાં તેના ચાલકે કાર ભગાડીને પલસાણા ગામ તરફ હંકારી મુકી હતી. પોલીસે ફીલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો ત્યારે કારચાલક ઉસ્માનાબાદ તરફ જતા માર્ગ ઉપર ખેતરમાં કાર મુકીને નાસી છુટયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની ૩૬૦ જેટલી બોટલો મળી આવી હતી. ત્યારે કાર અને વિદેશી દારૂ મળી પોલીસે કુલ ર.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરીને કારના નંબરના આધારે પોલીસે ફરાર થઈ ગયેલા બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.

(6:18 pm IST)