Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

'આમ આદમી પાર્ટી'ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની વરણી

સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણી પહેલા 'આપ' દ્વારા તૈયારી

ગાંધીનગર,તા. ૧૨: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીએ પણ પોતાની રીતે કમર કસી દીધી છે. જે અંતર્ગત ગુજરાતમાં 'આપ'ના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયાની વરણી કરવામાં આવી છે.

૨૦૧૩માં ગુજરાતની રાજનીતિમાં પગ મૂકનાર આમ આદમી પાર્ટીએ કેજરીવાલના ચહેરાને આગળ કરીને દિલ્હીમાં શાસન કરી રહી છે. જો કે દિલ્હીની બહાર પંજાબ સિવાય અન્ય કોઈ રાજયમાં 'આપ'ની પક્કડ એટલી મજબૂત નથી. આથી જ ૭ વર્ષ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં  ફરીથી એક વખત સક્રિય થવા જઈ રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને યુથ આઈકોન ગોપાલ ઈટાલિયાને એએપીગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તારમાં અનેક સામાજિક આગેવાનો અને નાગરિકો આમ આદમી પાર્ટીમાં  જોડાયા હતા. એ તકે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, દેશની અંદર રાજનીતિ પરિવર્તન લાવવા માટે અમારી પાર્ટી 'આપ'કેજરીવાલની આગેવાનીમાં નેતૃત્વ કરી રહી છે. દિલ્લી સરકારના સુશાસનથી પ્રભાવિત થઈને વિવિધ ક્ષેત્રે સામાજિક પ્રવૃત્ત્િ। કરતા આગેવાનો એએપીમાં જોડાઈ રહ્યા છે. આજ સૂચવે છે કે, અમારી પાર્ટી રાજનીતિ કરવા માટે નહીં, પરંતુ રાજનીતિ બદલવાના હેતુથી કામ કરતી પાર્ટી છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની ગોપાલ ઈટાલિયા  પોલિટીકલ સાયન્સમાં સ્નાતક કર્યું છે. ગોપાલ ઈટાલિયાએ ખુદને પોલીસ કોન્સ્ટેબલ બતાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને તેમની સાથેની વાતચીતનો ઓડિયો વાઈરલ કર્યો હતો. જે બાદ વિધાનસભા ગૃહ નજીક મીડિયાને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ પર જૂતુ ફેંકીને ચર્ચામાં આવ્યા હતા.

બે વખત સરકારી નોકરી છોડીને પાટીદાર અનામત આંદોલનમાં સામેલ થયેલા અને હવે આપના પ્રદેશ અધ્યક્ષ બનેલા ગોપાલ ઈટાલિયા ગુજરાતમાં પાર્ટીને કેટલી મજબૂત કરશે? તે તો આવનારો સમય જ બતાવશે.

(3:51 pm IST)