Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગુજરાત ભાજપનું મિશન-૧૮૨ : હવે મનસુખ માંડવિયાને પણ પેજ પ્રમુખ બનાવાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી : સી.આર.પાટીલ

ગાંધીનગર,તા. ૧૨: ગુજરાતમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણી  માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપના 'મિશન ૧૮૨' અંતર્ગત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પેજ પ્રમુખ બનાવ્યા બાદ હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ પેજ પ્રમુખ બનાવ્યા છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા  પાલિતાણા વિધાનસભા બેઠકના ૧૨૨ નંબરના બૂથ પરના પેજ પ્રમુખ બન્યા છે. મનસુખ માંડવિયાએ  ભાવનગર જિલ્લા પ્રમુખને પોતાના પેજની યાદી સોંપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પેજ પ્રમુખ અને સમિતિ નહીં બનાવનારા નેતાઓને આગામી વિધાનસભા ચૂંટણીના  ટિકિટ નહીં આપવા ટકોર કરી હતી. ભાજપે આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પણ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલે પાર્ટીના કાર્યકર્તાઓને આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠકો જીતવા માટેનું લક્ષ્યાંક સોંપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ અઠવાડિયામાં જ પેજ પ્રમુખ અને પેજ સમિતિઓની રચના કરવામાં આવે. પાટીલે પાર્ટીના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ૭ દિવસમાં પેજ પ્રમુખ અને પેજ સમિતિની રચના નહીં કરનારા સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને તાલુકા અધ્યક્ષો વિરુદ્ઘ પાર્ટી કાર્યવાહી કરી શકે છે.

જણાવી દઈએ કે, અગાઉ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની પ્રકાશ સોસાયટીની મતદાતા સૂચીના પેજ પ્રમુખ બન્યા છે. જયારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાના કડીના મોટાપોઢ વોર્ડની મતદાતા યાદીમાં પેજ પ્રમુખ બન્યા છે.

(3:51 pm IST)