Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગુજરાત રાજ્યમાં ૪ તબક્કામાં કોરોના વેકસીન અપાશે : વિજયભાઇ રૂપાણી

રાજ્ય સરકાર કોરોના રસીની વિતરણ વ્યવસ્થા માટે તૈયાર

સુરત,તા. ૧૨: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમનના વધતા કેસ વચ્ચે કોરોના વેકસીનને લઇને રાહતના સમાચાર આપ્યા છે. રૂપાણીએ સુરતમાં કહ્યુ કે, ભારતની જનતાને જલ્દી વેકસીન મળે તે માટે વડાપ્રધાન કાર્યરત છે. રાજયમાં કોરોના વેકસીન આપવા માટે ૪ સ્ટેજ નક્કી કરવામાં આવ્યા છે. રાજય સરકારની કોરોના વેકસીનની વહેચણીને લઇને પુરી તૈયારી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, 'વડાપ્રધાન મોદી જે રીતે કાર્યરત છે, તેનો અર્થ એ છે કે ભારતની જનતાને જલ્દી વેકસીન મળે. કેન્દ્ર સરકાર પુરૂ આયોજન કરી રહી છે. ગુજરાત સરકાર પણ તે આયોજન અનુસાર પુરી તૈયારી કરી રહી છે, ચાર સ્ટેજ નક્કી કરવામાં આવ્યા છે. આ ચાર સ્ટેજ પ્રમાણે હેલ્થ વર્કરનું લિસ્ટ તૈયાર છે. બીજા સ્ટેજમાં કોરોના વોરિયર્સ, અમારા કર્મચારી, પોલીસથી લઇને મ્યુનિસિપલ કામદારોને કોરોના વેકસીન આપવામાં આવશે. ત્યારબાદ રાજયમાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની યાદી બની રહી છે. દ્યરે દ્યરે જઇને પંચાયત અને કોર્પોરેશનના કર્મચારી લિસ્ટ બનાવી રહ્યા છે. ચોથા સ્ટેજમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકો જે ગંભીર બીમારીથી પિડાતા હોય તેમનું પણ લિસ્ટ બની રહ્યુ છે. ભારત સરકાર જે કવોન્ટિટીમાં વેકસીન મોકલશે તેને અમે ડિસ્ટ્રીબ્યુટ કરીશું.'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦ હજાર કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા ભેગો કરવામાં આવ્યો છે જયારે ખાનગી હોસ્પિટલના ૧૦ હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા મેળવવામાં આવ્યો છે. વધુ ૧૦ હજારથી વધુ ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે. ફર્સ્ટ ફેઝમાં ૪૦ હજારથી વધુ ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે. કોરોના સંક્રમણ સામે રસીકરણના અભિયાન અંતર્ગત અમદાવાદ ગ્રામ્યમાં ૫૦ વર્ષથી મોટી ઉંમરના કુલ ૩.૨૨ લાખ લોકોનું સર્વે કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજયમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૨૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા જયારે આ મહામારીને કારણે વધુ ૧૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ રાજયમાં આ મહામારીને કારણે અત્યાર સુધી ૪ હજાર ૧૪૮ દર્દી પોતાનો જીવ ગુમાવી ચુકયા છે. રાજયમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૨૫ હજાર ૩૦૪ થઇ ગઇ છે.

(3:50 pm IST)