Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં માવઠાથી પાકમાં નુકશાનનો સર્વે કરાશેઃ વિજયભાઇ રૂપાણી

વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યું છે તે વાત 'ભારત બંધ'ના નિષ્ફળતાથી સાબિત થઇ ગઇ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભરશિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે જગતના તાતને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં ઉભા પાકને કમોસમી વરસાદના પગલે નુકસાન થયું છે, ત્યારે ભરૂચ પહોંચેલા રાજયના મુખ્યમંત્રીએ આજે મોટી જાહેરાત કરી છે.

ભરૂચના વાલિયામાં પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે. જે બાદ તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે મુખ્યમંત્રીએ વિપક્ષને આડેહાથ લેતા જણાવ્યું કે, વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. ખેડૂત આંદોલનના બહાને વિરોધી પાર્ટીઓ પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. 'ભારત બંધ'ની નિષ્ફળતાએ સાબિત કરી દીધુ છે કે, કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં જ છે.

જણાવી દઈએ કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુરુવારે સાંજથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે પણ રાજયના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી કરી હતી. જેને પગલે રાજયના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ૨ દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.

રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલ મગફળીને જંગી નુકસાન થયું છે. આ મગફળી વેચાણ માટે ખુલ્લા મેદાનમાં પડી હતી. અહીં અંદાજે ૧ લાખ બોરીઓ વરસાદી પાણીથી પલળી ગઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કપાસ, મકાઈ, ઘઉં, જીરુ વગેરે પાકને વ્યાપક નુકસાન થયું છે.

જયારે ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે એરંડા, કપાસ, ચણા અને જીરા જેવા રવિ સિઝનના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે તમાકુના પાકને નુકસાન થયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માટેની માંગ કરી છે.

(3:49 pm IST)