Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પ્રો. અનામીક શાહના અનુગામી તરીકે પ્રખર ગાંધીવાદી પ્રો.રાજેન્દ્ર ખીમાણીની નિયુકિત

સર્ચ કમીટીએ રાજકોટના ડો. ભદ્રાયુ વચ્છરાજાનીની ભલામણ કરી હતી : ડો. રાજેન્દ્ર ખીમાણી તા.૧ જાન્યુ.એ કાર્યભાર સંભાળશે

રાજકોટ, તા.૧ર : દેશભરની પ્રથમ હરોળની ગુજરાત વિદ્યાપીઠના ૧૬મા કુલનાયક તરીકે પ્રખર ગાંધીવાદી ડો. રાજેન્દ્ર ખીમાણીની ટ્રસ્ટી મંડળે સર્ચ કમીટીની ભલામણને આધારે નિયુકત કરી છે.

મૂળ રાજકોટના વતની અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધનક્ષેત્રે વિશ્વભરમાં નામના મેળવનાર પ્રો. અનામીક શાહનો ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેનો કાર્યકાળ ૩૧ ડીસેમ્બરે પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક માટેની શોધ કમીટીએ બે માસની વ્યાપક ચર્ચા વિચારણાના અંતે ત્રણ નામ પસંદ કર્યા હતાં જેમાં રાજકોટના ડો. ભદ્રાયુ વચ્છરાજાની, ડો. રાજેન્દ્ર ખીમાણી, ડો. સંજય ચૌધરીની પેનલ બની હતી જેમાં ટ્રસ્ટી મંડળે ડો. રાજેન્દ્ર ખીમાણી ઉપર પસંદગી ઉતારી હતી.

મૂળ સૌરાષ્ટ્રના સાવરકુંડલાના વતની પ્રો. રાજેન્દ્ર ખીમાણી છેલ્લા ૧પ વર્ષથી ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ પદે કાર્યરત છે. હાલ તેઓ વિસ્તરણ માટે માનદ્ નિયામક તરીકે સેવા આપી રહ્યા છે.

પ્રો. રાજેન્દ્ર ખીમાણી ૧-૧-ર૦ર૧ના તેમના કુલ નાયકનો કાર્યભાર સંભાળશે.

(3:49 pm IST)