Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અહી છે પુસ્તકોની જેમ કપડાંની લાઈબ્રેરી

એક નૂર આદમી હજાર નુર કપડાઃ મહિલાઓના સૌથી મોટા સવાલનો જવાબ છે અહી : સાડી લઈ જવાની એક જ શરત ડ્રાયકલીન કરીને પરત આપવી

રાજકોટ, તા.૧૨: પુસ્તકોની લાઈબ્રેરી જોઈ રમકડાની લાઈબ્રેરી જોઈ પણ સાડીઓની લાઈબ્રેરી! સામાન્ય રીતે પુસ્તકોની લાઇબ્રેરીમાં જઈને લોકો પુસ્તકો વાચવા દ્યરે લઈ આવતા હોય છે. પરંતુ આ એવી લાઇબ્રેરી છે જે સાડીઓની લાઈબ્રેરી છે. મહિલાઓ માટે જયારે બહાર જવાનું હોય છે ત્યારે સૌથી મોટો સવાલ એ હોય છે કે શું પહેરવું? દરેક પ્રસંગે અને વારતહેવારે કંઇક નવું પહેરવાનો શોખ હોય છે અને દરેક વખતે બજારમાથી નવા કપડાં લેવા પોસાય પણ નહીં. એટલે જ આ બાબતને ધ્યાનમાં રાખીને ૯ વર્ષ પહેલા ગ્રામશ્રી દ્વારા એક નવો રસ્તો શોધી કઢાયો અને એ છે સાડી લાઇબ્રેરીનો. સ્લમ એરિયાની બહેનોને વધુ દૂર ન જવું પડે તે માટે અમદાવાદના સ્લમ વિસ્તાર રામાપીરના ટેકરા ખાતેના ગ્રામશ્રીના રુદ્ર સેન્ટરમાં હાલ આ સાડી લાઇબ્રેરી કાર્યરત છે.

આ ગ્રૂપના એક મેમ્બર છવી સંઘવી જણાવે છે કે અમારા ગ્રૂપમાં ભરતગૂંથણ કરતી બહેનોનું ગ્રૂપ ખૂબ મોટું છે આ ઉપરાંત રામાપીરના ટેકરે રહેતી મહિલાઓ અને અમારી સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલી બહેનોને અમે આ સાડી આપીએ છીએ. આ કામગીરી ૯ વર્ષથી થઇ રહી છે પરંતુ આ અંગે લોકોને જાણ નથી એટલે રામાપીરના ટેકરાની અને ભરતગૂંથણ કરતી બહેનો જ હાલ તેનો બહોળો લાભ ઉઠાવી રહી છે. મહિલાઓ લાઇબ્રેરીમાં રહેલ કોઇ પણ સાડી કે ચણીયાચોળીને એક પણ રૂપિયો ચુકવ્યા વગર માત્ર ડ્રાયકિલન કરીને પાછી આપવાની શરતે લઈ જાય છે અને બહારની કોઇ મહિલા હોય તેને ૫૦ રૂપિયા જેવા નજીવા દરે એક અઠવાડીયાથી ૧૦ દિવસના સમય માટે આ કપડા આપી છે.

ઘણી એવી મહિલાઓ છે જે બેથી ત્રણવાર પહેરેલી સાડી રિપીટ નથી કરતી અને તે માત્ર કબાટમાંજ પડી રહે છે તે માટે ગ્રામશ્રીની સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થતી અમદાવાદ લેડીઝ સર્કલ-૬૪ની બહેનો આવી સાડીઓ કલેકટ કરે છે અને વધુને વધુ સ્લમની બહેનો આનો લાભ લે તે માટે અવેરનેસ લાવવાનું કાર્ય કરે છે,જેથી સ્લમની મહિલાઓ મોંદ્યી સાડીઓ પહેરી અને તેમનો શોખ પુર્ણ કરી શકે. અહીં ૨૫૦ રૂપિયાથી લઇને ૮ હજાર સુધીની સાડીઓ મુકાયેલી છે. સ્લમની મહિલાઓ દુકાન અને શો રૂમ જેવી ફિલીંગનો અનુભવ કરી શકે તે રીતની ગોઠવણી કરવામાં આવી છે. અહી ૨૦૦ થી વધુ નંગ સાડી, ચણીયાચોળી તેમજ શેરવાની પણ છે.

દર વીસ દિવસે લાઇબ્રેરીમાં રહેલી સાડીઓની કંડીશન ચેક કરવામાં આવે છે જોતે પ્રસંગમાં પહેરવા લાયક ન હોય તે તરત તેનો નિકાલ કરવામાં આવે છે. નિકાલમાં ખૂબજ જરૂરિયાત મંદ મહિલાઓને આ આપી દેવામાં આવે છે આમ, અંત સુધી આવેલી સાડીઓને મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે જેના ઘરે પ્રસંગ હોય ત્યારે તે બહેન સાડી લઇ જાય પરંતુ દિવાળીના સમયમાં અને લગ્નની સિઝનમાં વધુ મહિલાઓ વધુ આ સેવાનો લાભ લે છે.

(3:48 pm IST)