Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમદાવાદના સોલા-ચાણક્‍યપુરી વિસ્‍તારમાં અનેક ગુન્‍હાઓમાં સંડોવાયેલ કુખ્‍યાત પ્રદિપ ઉર્ફે માયા ડોનને તેના જ બનેવીએ સાગરીતો સાથે મળીને પતાવી દીધોઃ નગ્ન કરીને હથિયારો ઝીંક્‍યા

અમદાવાદ: અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચાણક્યપુરી વિસ્તારમાં મધરાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. મારામારી, લૂંટ, ખંડણી, ધાકધમકી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત પ્રદીપ ઉર્ફ માયા ડોનને તેના જ બનેવીએ સાગરીતો સાથે મળી રહેસી નાંખ્યો હતો. સોલા પોલીસે મૃતક માયાના કહેવાતા બનેવી અનિષ પાંડે સહિત 3 થી 4 લોકોની પૂછપરછ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ ચાણક્યપુરી વિસ્તારમાં પરષોત્તમનગર વિભાગમાં 2માં રહેતાં પ્રદીપ ઉર્ફ માયાડોનને શુક્રવારે રાત્રે તેના કહેવાતા બનેવી અનિષ પાંડે સાથે તકરાર થઈ હતી. આ મુદ્દે રાત્રે 2 વાગ્યે બન્ને પક્ષે સમાધાનની મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં માયાડોને બનેવી અનિષ સાથે હાથ ચાલાકી કરી હતી.

આ બાબતે સમસમી ગયેલા અનિષે માયા ડોંનનો કાંટો કાઢી નાંખવાની યોજના બનાવી લીધી હતી. જે મુજબ રાત્રે અનિષ તેના સાગરીતો સાથે માયાના ઘરમાં ઘૂસ્યો હતો. આરોપીઓએ માયાના કપડાં ઉતરાવ્યા બાદમાં મારમાર્યો હતો. નગ્ન કરી માયાને મારમાર્યા બાદ આરોપીઓએ તલવાર,ચાકુ જેવા ઘાતક હથિયારોના ઉપરાછાપરી ઘા મારી રહેંસી નાંખ્યો હતો. કુખ્યાત માયાને પોતે મારી નાંખ્યો તેવું બતાવવા માંગતા આરોપીઓ મૃતકની લાશને ઘરની બહાર ઢસડીને લાવ્યા અને રોડ પર ફેંકી ફરાર થઈ ગયા હતા.

સ્થાનિકોએ બનાવની જાણ સોલા પોલીસને કરી હતી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોલા પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, અનિષ પાંડે સહિત કેટલાક લોકોની પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રદીપ ઉર્ફ માયાએ આરોપીને મારમારતા આ બનાવ બન્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

(4:33 pm IST)