Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

આદિવાસી ક્ષેત્રમા વિકાસની સમૃદ્ધિના દ્વાર ખુલશે :વાલિયા, ઝગડિયા અને નેત્રંગ તાલુકાઓમાં વિકાસની નવી તકો મળશે: કોરોના સંક્રમણ કાળમા પણ “જાન ભી હે, જહાન ભી હે” ના મંત્ર સાથે રાજ્યમાં આર્થિક-વિકાસ કામોની ગતિવિધિઓ અટકી નથી:આ વર્ષના બજેટમાં થયેલા આયોજનો મુજબ બધા જ વિકાસકામો સમયબદ્ધ ઉપાડીને કોરોના વચ્ચે પણ ૨૦ હજાર કરોડના કામોની જનતા જનાર્દનને ભેટ આપી છે :વિજયભાઈ રૂપાણી

આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂ.૩.૮૫ કરોડના ખર્ચે ચાર નવી પાણી પૂરવઠા યોજનાઓનુ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત : ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા શેલ્ટર હોમનું પણ ઈ - લોકાર્પણ

 ગાંધીનગર:::મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ભરૂચમા રૂ. ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું  કે “કોરોના કાળ”મા પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે.

 ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા ૧૯૮ ગામો, ૪ શહેરોને શુદ્ધ જળ મળતુ થશે.

તેમણે કહ્યું કે, સરકારનું બજેટ માર્ચ મહિનામા પસાર થયુ ને તુંરત જ કોરોના સંક્રમણ વિશ્વમા વ્યાપી ગયું, આમ છતા “જાન હે, જહાન ભી હે” ના પ્રધાનમંત્રીશ્રીના ધ્યેયને વાચા આપી રાજ્ય સરકારે આર્થિક ગતિવિધિઓ, વિકાસના કામો સમયબદ્ધ ઉપાડ્યા છે. અત્યાર સુધીમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોની ભેટ કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોને આપી છે એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના વિકાસકામો પણ એ જ ત્વરાએ વેગવાન કર્યા છે તેમ ઉમેર્યું હતું. 

આ અંગે તેમણે કહ્યું કે, પાણીને વિકાસનો આધાર બનાવીને ઘરે ઘરે, ગામે ગામ પાણી પુરતું મળે તે માટે છેલ્લા પાંચ દિવસોમાં જ ૨૫૦૦ કરોડના પાણી પુરવઠાના વિવિધ કામો રાજ્યભરમાં શરુ થયા છે. 

શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાનો નિર્ધાર પુનઃ વ્યક્ત કરતા ઉમેર્યું કે, પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ  ભરૂચ ના વાલિયા ખાતે અંદાજીત રૂ. ૩૮૫ કરોડના ખર્ચે આકાર પામનારી વધુ ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરી આ યોજનાઓ પૂર્ણ થતા, ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા, અને નેત્રંગ તાલુકાઓ આગામી દિવસોમાં નંદનવન બનશે તેમ જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના ધ્યેય સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી આદિવાસી પ્રદેશના સર્વતોમુખી વિકાસની નેમ વ્યક્ત કરી હતી.

ખાતમુહુર્ત કરાતા કાર્યક્રમોના લોકાર્પણની નવી કાર્યપદ્ધતિ અમલી બનાવીને આ સરકારે વિકાસની ઠોસ પદ્ધતિ નક્કી કરીને સુવ્યવસ્થિત, સમયબદ્ધ કાર્ય આયોજનની કાર્યશૈલી વિકસાવી છે તેમ જણાવ્યું હતું.

ભૂતકાળની સરકારોની કાર્યશૈલીનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રીએ પાણી વિના વિકાસ શક્ય નથી તેમ જણાવી પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની સરકારની નેમ વ્યક્ત કરી હતી. “નેવાના પાણીને મોભે ચઢાવી”ને ગુજરાતે પાણીથી તરસતા ગુજરાતના વિકાસની આડે રહેલા તત્વોને પ્રજાએ જાકારો આપ્યો છે તેમ જણાવ્યુ હતું.

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી પરંપરાને આગળ વધારતા વર્તમાન રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ બનાવીને નવા નવા સોર્સ આધારિત યોજનાઓની ભેટ પ્રજાજનોને આપી રહી છે તેમ જણાવી ગુજરાતમાંથી ટેન્કરરાજ ખતમ કરવા સાથે પાણી પુરવઠા યોજનાઓની ફાઈલોમાંથી “નો સોર્સ” શબ્દને દુર કર્યો છે તેમ જણાવ્યુ હતું.

સને ૨૦૨૨ સુધીમા ગુજરાતના દરેક ઘરને “નલ સે જલ” મળે તે માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, અન્ન વિતરણ યોજના, વીજ જોડાણ યોજના જેવા કાર્યોમાં રાજ્ય સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓનો ખ્યાલ આપ્યો હતો. માં રેવાને તીરે ભાડભૂત યોજનાનું ભગીરથ કાર્ય પણ રાજ્ય સરકારે હાથ ધર્યું છે તેમ જણાવી શ્રી રુપાણીએ દરિયાના ખારા પાણીને મીઠું પીવાલાયક બનાવવાની યોજનાનો ખ્યાલ આપ્યો હતો.

આગામી તા.૧૫ મી ડિસેમ્બરે દેશના વડાપ્રધાનશ્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે પણ ગુજરાતમા વિકાસના નવા આયામો સર કરાશે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ યોજનાનો પણ ખ્યાલ આપ્યો હતો. ગુજરાતને પાણીદાર બનાવવા માટે વિકાસની પ્રાથમિક શરત માત્ર પાણી જ છે તેમ જણાવ્યુ હતું.

ગુજરાતની સુખાકારી માટે હરહમેશ તત્પર રાજ્ય સરકારના પ્રયાસોનો ખ્યાલ આપી મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ જિલ્લાના પ્રજાજનોને અભિનંદન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભરૂચ જિલ્લાની રૂ. ૩૮૪.૭૮ કરોડની જુદી જુદી ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામા આવ્યુ હતુ. જેમા (૧) નેત્રંગ-વાલિયા જૂથ પાણી પુરવઠા યોજના ; પેકેજ-૧, ૨, અને ૩ સહીત, (૨) મધ્યબારા જૂથ પાણી પુરવઠા યોજનાના બાકી રહેતા ગામોને જોડતી યોજના, (૩) ઝાડેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના, તથા (૪) રુંઢ-રાજપારડી જૂથ યોજના હેઠળના બાકી પરાઓને જોડતી યોજનાઓનો સમાવેશ થાય છે. 

ભરૂચ જિલ્લાના કુલ ૩.૬૧ લાખ ગ્રામીણ ઘરો પૈકી ૩.૨૫ લાખ ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામા આવી છે. જિલ્લાના પ્રજાજનોને પીવા માટેના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે, વિશાળ માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કરવામા આવ્યુ છે. જેમા ૧૧ જેટલી જૂથ યોજનાઓ અંતર્ગત ૩૫૭ કિલોમીટર લાંબી બલ્ક પાઈપ લાઈન, ૬૯૨ કોલોમીટર લાંબી વિતરણ પાઈપ લાઈન, ૧૭૪ એમ.એલ.ડી. ક્ષમતાના કુલ ૧૧ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, ૩૭.૫૧ એમ.એલ.ડી. ક્ષમતાના કુલ ૧૮ ભૂગર્ભ ટાંકાઓ, અને ૭.૮૪ એમ.એલ.ડી. ક્ષમતાની કુલ ૧૮ ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે.

આ ઉપલબ્ધ સુવિધાઓ ઉપરાંત ભરૂચ જિલ્લાને ભવિષ્યમા પણ અવિરત પાણી પુરવઠો મળતો રહે તે માટે આજે અંદાજીત રૂ.૩૮૫ કરોડની પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામા આવ્યુ છે. આ યોજનાઓ પૂર્ણ થતા જિલ્લાના વધુ ૧૬૨ ગામોની ૩.૪૫ લાખની વસ્તીને સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર થયેલુ પાણી પૂરુ પડી શકાશે. 

પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહુર્ત ઉપરાંત આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઈટ શેલ્ટર હોમનું પણ વાલિયા ખાતેથી ઈ લોકાર્પણ કરાયુ હતુ.

આ પ્રસંગે પાણી પુરવઠા, પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યદક્ષ નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામો સુધી પૂરતી માત્રામાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બને તેવી યોજનાઓ સાકાર થઇ રહી છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. તેમણે પીવાના પાણીના એક-એક બુંદનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની રાજ્ય સરકારની નેમ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલીયા, ઝઘડિયા સહિતના વિસ્તારોમાં હાલના સમયમાં  વધેલી પાણીની જરૂરિયાતની પૂર્તિ ખાતમુહૂર્ત થયેલી ચાર મહત્વની પાણી પુરવઠા યોજનાથી થઈ શકશે તેમજ ભરૂચ જિલ્લાની ૩.૪૫ લાખની વસ્તીને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી સહેલાઈથી પ્રાપ્ત થશે. ભરૂચ જિલ્લાના ૩.૨૫ લાખ ઘરો સુધી નલ સે જલ અભિયાન હેઠળ ઝડપભેર પાણી મળી શકે એ માટે નળજોડાણની ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, બાકીના ઘરો સુધી નળથી પાણી પહોંચાડવાની કામગીરી પુરજોશમાં શરૂ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.   

અંતરિયાળ ગામો સુધી પીવાના પાણીનું સુયોગ્ય વિતરણ, સતત મોનિટરીંગ અને આ કાર્યમાં રોકાયેલી કરારની એજન્સીઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું શ્રી શ્રી બાવળિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. 

       સીતારામ ટ્રસ્ટ નર્સિંગ કોલેજ-વાલિયાના પરિસરમા આયોજિત આ કાર્યક્રમમા સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું કે, રાજ્યમાં ભૂતકાળમાં પીવાના પાણીની પારાવાર મુશ્કેલીઓ હતી. ટ્રેન, ટેન્કરથી પીવાના પાણીનું વિતરણ કરવાના દિવસો રાજ્યની જનતાએ જોયા છે. વર્તમાન સરકારે પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેવાનું બીડું ઝડપ્યું છે. નર્મદા, કરજણ અને ઉકાઈ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ થકી પાણીની સમસ્યા નિવારવા સરકાર સતત કાર્યરત છે એમ જણાવી તેમણે ભરૂચ જિલ્લાને પાણી પુરવઠા યોજનાઓથી આવરી લેવા બદલ રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ વેળાએ પાણી પુરવઠાની ચાર યોજનાની વિગતો દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.              

       આ પ્રસંગે સહકાર અને રમતગમત રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી અરૂણસિંહ રણા, દુષ્યંતભાઈ પટેલ, ઈ.જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહ પરમાર, અગ્રણી શ્રી મારૂતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ મયુરભાઈ મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખો-સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

 

(2:37 pm IST)