Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

બપોરથી વાતાવરણ ચોખ્ખુઃ કાલથી ઠંડીમાં ક્રમશઃ વધારો

દક્ષિણ અરબીસમુદ્રવાળી સિસ્ટમ્સ ઓમાનની ખાડી તરફ ગતિઃ આકાશ ચોખ્ખુ બનશે : સૌરાષ્ટ્ર- ગુજરાતમાં લઘુતમ તાપમાન ૨૮ ડીગ્રી આસપાસ રહેશેઃ એન.ડી.ઉકાણી

રાજકોટ,તા.૧૨: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર સહિત રાજયના અનેક શહેરોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડયો છે. ખેતીના પાકને નુકશાન થયું છે. દરમિયાન સિસ્ટમ્સ ઓમાન તરફ ફંટાઈ ગઈ હોય આજે બપોરથી વાતાવરણ ચોખ્ખુ બનવા લાગશે અને આવતીકાલથી ધીમે- ધીમે ઠંડીમાં વધારો થવા લાગશે.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધરએનાલીસ્ટ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવ્યું હતું કે દક્ષિણ અરબીસુમદ્ર ઉપર જે હવાનું હળવું દબાણ હતું તે હવે ઓમાનની ખાડી તરફ પ્રયાણ કર્યુ છે. આ સિસ્ટમ્સની અસરથી ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળેલ. પરંતુ હવે આ સિસ્ટમ્સ પસાર થઈ ગઈ હોય આજે બપોરથી વાતાવરણ ચોખ્ખુ બની જશે.

આ ઉપરાંત જમ્મુ- કાશ્મીર ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું, જે આવતીકાલ સુધીમાં પસાર થઈ જશે. આકાશ ચોખ્ખુ બનશે. જેથી જમીની વિસ્તારોમાં આવતીકાલથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે.

સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં દિવસનું એટલે કે મહતમ તાપમાન ૨૮ ડીગ્રીની નીચે અને લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રીની આજુબાજુ જોવા મળશે. એટલે કે હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. તેમ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવેલ.

દરમિયાન આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળેલ. રાજકોટ શહેરમાં ઝાકળવર્ષાના પગલે સુર્યનારાયણે મોડા દર્શન આપ્યા હતા. સવારે ૯૨ ટકા ભેજ અને ન્યુનતમ તાપમાન ૧૮.૭ ડીગ્રી નોંધાયેલ.

(12:48 pm IST)