Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

૨૪ કલાકમાં વાતાવરણમાં બેવડો પલટો

પહેલા વરસાદ પછી આજે ગુજરાતભરમાં ધુમ્મસનું સામ્રાજય

અમદાવાદ, તા.૧૨: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ૨ થી ૪૮ કલાકમાં ભારે પલટો જોવા મળ્યો છે. ગઈકાલે જયાં ગુજરાતના લગભગ ૧૩૫ થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદી થયો હતો તો આજે ફરીએકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધુમ્મસનું સામ્રાજય છવાયું હતું.

અમદાવાદીઓની સવાર જાણે હિલ સ્ટેશનમાં પડી હોય તેવો માહોલ હતો. શુક્રવારના માવઠાના માહોલ બાદ આજે સવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારમા ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ. અમદાવાદે જાણે ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય તેમ લાગી રહ્યુ હતુ.મોડી રાતથી ધુમ્મસ વધવાને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.

પાટનગર ગાંધીનગરમાં પણ સવારે ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યુ. શુક્રવારે વરસાદ બાદ ગાંધીનગર ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. મોડી રાત બાદ ધુમ્મસનું પ્રમાણ વધ્યુ હતુ. કેટલાક વિસ્તારમાંથી દસ ફૂટ દૂર જોવુ પણ મુશ્કેલ બન્યુ હતુ.

તો વિરમગામ આસપાસ પણ સવારે ધુમ્મસ જોવા મળ્યુ. વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા પણ ભારે ધુમ્મસ હતુ. મોટા ભાગના રસ્તાઓ પર ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી હતી. તેમ છતા વિઝિબિલટી ઘટી જતા વાહન ચલાવામાં તકલીફ પડી રહી હતી.

તો બાવળા આસપાસ પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ. અમદાવાદ ચાંગોદર રોડ પર સવારે ગાઢ ધુમ્મસ હતુ. વિઝિબિલટી ઘટી જવાને કારણે વાહનચાલકો પણ પરેશાન થઇ ગયા હતા. કેટલાક વિસ્તારમા તો ધુમ્મસ વધુ ગાઢ બની જતા વાહનચાલકો તેમજ લોકો રસ્તામાં થોભી ગયા હતા.

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.  ચારે તરફ ગાઢ ધુમ્મસ છવાયેલુ નજરે પડ્યુ છે. દિયોદર, લાખાણી, થરાદ, કાંકરેજ અને ભાભર સહિતના તાલુકાઓમાં ધુમ્મસ જોવા મળ્યુ હતુ.

સાબરકાંઠા જિલ્લામાં પણ ધુમ્મસ છવાયુ હતુ. ધુમ્મસ છવાતા વીજીબીલીટી ઘટી ગઇ હતી. ધુમ્મુસ એટલુ ગાઢ હતુ કે ૧૫ ફુટ દુર જોવુ પણ મુશ્કેલ બન્યુ. જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી હતી.

(11:38 am IST)