Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

મગફળી માટેની નોંધણીમાં ગેરરીતિઃ પપ૦થી વધુ ઓપરેટરો ઝપટમાં

બિનસરકારી ગ્રામીણ કોમ્પ્યુટર ઓપરેટરોએ ઓનલાઇન 'કળા' કરતા સરકાર ચોંકી ઉઠીઃ તપાસનો ધમધમાટ : ખેડૂતના માન્ય ૪ દસ્તાવેજી કાગળો સ્કેન કરી અપલોડ કરવાના બદલે ખોટા અથવા કોરા કાગળ જોડી દીધાઃ અમૂક કિસ્સામાં એક જ દસ્તાવેજી પુરાવાનો એકથી વધુ વખત ઉપયોગ : કુલ ૧પ હજારથી વધુ અરજીઓમાં ગોટાળોઃ નાગરીક પુરવઠા નિગમ નિયુકત નિષ્ણાંતોએ ચકાસણી કરતા ભાંડો ફુટયોઃ જવાબદાર ઓપરેટરોના મહેનતાણા અટકાવાયાઃ પગલા લેવા સરકારને ભલામણઃ ફોજદારી ફરીયાદની શકયતાઃ સૌથી વધુ ગેરરીતિ ગીર સોમનાથ જિલ્લામાં: રાજકોટ જિલ્લો ત્રીજા ક્રમેઃ ખેડૂતો દોષિત ઠરે તો તેની સામે પણ પગલાઃ કુલ ૪.૭૦ લાખ અરજીઓ આવેલ

રાજકોટ તા. ૧ર :.. રાજય સરકાર દ્વારા ગઇ તા. ર૬ ઓકટોબરથી પુરવઠ નિગમના માધ્યમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. તે પૂર્વ ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. ખેડૂતોની નોંધણીમાં કેટલાય વી. સી. ઇ. (કોમ્પ્યુટર ઓપરેટરો) દ્વારા  ગેરરીતિ થયાનું બહાર આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પપ૦ થી વધુ કોમ્પ્યુટર ઓપરેટરો સામે પગલા તોળાઇ રહયા છે. તેઓ પંચાયત હસ્તકના ગ્રામીણ સેવા કેન્દ્રોમાં સેવા આપતા હોય છે. કોઇપણ પ્રકારે સરકારી નોકરીયાત કે પગારદાર નથી. તેના કામના પ્રમાણમાં (ડેટા એન્ટ્રી) નિયત મહેનતાણુ મળે છે. મગફળીમાં એન્ટ્રી દીઠ રૂ. ૧પ નિયત છે.

મગફળી વેચવા માટે ઓનલાઇન નોંધણી વખતે ખેડૂતનું આધાર કાર્ડ, ગામ નમૂના નં. ૭, રદ ચેક અથવા ખાસ બુકનું પાનુ અને વાવેતર અંગેનો તલાટીનો દાખલો સ્કેન કરી કોમ્પ્યુટરમાં અપલોડ કરવાની જવાબદારી કોમ્પ્યુટર ઓપરેટરની હતી.

કેટલાય ઓપરેટરોએ ખોટા ડોકયુમેન્ટ, કોરા કાગળ અથવા જુદા-જુદા જરૂરી ૪ ડોકયુમેન્ટના બદલે એક જ ડોકયુમેન્ટ એકથી વધુ વખત કોમ્પ્યુટરમાં પધરાવી દીધાનું બહાર આવ્યું છે. સરકારી સૂત્રો આ બાબતને ઓપરેટરની ભૂલ નહિ પણ ગેરરીતિ ગણાવી રહ્યા છે. નિગમ દ્વારા એન્ટ્રીના રૂ. ૧પ મહેનતાણુ અપાય છે.

નાગરીક પુરવઠા નિગમના નિષ્ણાંતોની ટીમ દ્વારા નિયમ મુજબની ચકાસણી કરવામાં આવતા ભાંડો ફુટયો હતો. કુલ ૪.૭૦ લાખ ખેડૂતોની ઓનલાઇન નોંધણી થયેલ. જેમાં ૩.૧૯ લાખ નોંધણી ગ્રામીણ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા કરવામાં આવેલ. બાકીની નોંધણી તલાટી અથવા સહકારી મંડળી દ્વાર કરવામાં આવી છે. અત્યાર સુધીની તપસમાં રાજયમાં ૧પપ૦૦ જેટલી એન્ટ્રી (નોંધણી) અમાન્ય ડોકયુમેન્ટના આધારે થયાનું અને તેના માટે પપ૦થી વધુ ઓપરેટરો જવાબદાર હોવાનું જાણવા મળેલ છે. વધુ તપાસ ચાલુ છે. ઓપરેટરોના ચુકવણા અટકાવામાં છે. તેની સામે પગલા લેવા નિગમે વિકાસ કમિશનર અને સરકારને ભલામણ કરવાનું  નકકી કર્યુ છે. ઓપરેટરો દ્વારા એક દિવસમાં અમર્યાદિત સંખ્યામાં નોંધણી થતા તપાસનીસ ટીમને શંકા પડેલ. તેના આધારે ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.ગેરરીતિપૂર્ણ સૌથી વધુ નોંધાણી ગીર સોમનાથ જિલ્લામાં થઇ છે. બીજા ક્રમે આવી રપ૦૦ જેટલી નોંધણીઓ સાથે રાજકોટ જિલ્લો છે. જુનાગઢ જિલ્લો ત્રીજા ક્રમે છે. જરૂર પડે તો જવાબદાર ખેડૂતો સામે પણ પગલા ભરવામાં આવશે. મગફળીની ઓનલાઇન નોંધણીના પ્રારંભિક સમયે ઓપરેટરોએ મહેનતાણુ વધારવા હડતાલ પાડી હતી. હવે ખોટુ કરનારા ઓપરેટરો ફસાયા છે.

(11:36 am IST)