Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજકીય હિત માટે દેશના ખેડૂતોને ભ્રમિત કરીને હાથો બનાવવાનું દુષ્કુત્ય કરી રહ્યાં છે વિપક્ષ : સી,આર,પાટીલ

કુષિ સુધારાઓના સંદર્ભમાં આજે પ્રદેશ ભાજપની વિડિઓ કોન્ફ્રન્સ યોજાઈ

અમદાવાદ : કુષિ સુધારાઓના સંદર્ભમાં આજે પ્રદેશ ભાજપની વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકને વિડીઓ કોન્ફરન્સથી સંબોધતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાન  મોદીના વડપણ હેઠળની ભાજપની સરકાર બની ત્યારથી જ ‘મોદી સરકારે’ ખેડૂતોની સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને ખેડૂતોના ઉદ્ધાર અને ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય લઈને કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂતોના હિતમાં નોંધપાત્ર કૃષિ સુધારા કર્યા છે. ભાજપની સરકાર અને સંગઠન બંન્નેને દેશની સરહદોની રક્ષા કરતા જવાન અને અને અન્નદાતા એવા ખેડૂતો માટે અપાર સન્માનની લાગણી છે.

પાટીલે જણાવ્યું હતું કે, આજે દેશના કરોડો ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અમલી બનાવાયેલા કૃષિ સુધારાઓ અંગે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોના દોરીસંચાર હેઠળ ખેડૂતોને ગેરમાર્ગે દોરી, અધુરી માહિતી સાથે મન ફાવે તેવું અર્થઘટન કરીને તેમને ભ્રમિત કરવાના કુપ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હિતની બાબતમાં પણ અમુક રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકી રહ્યા છે તે અત્યંત શરમજનક બાબત છે, રાજકીય હિત માટે આજે દેશના ખેડૂતોને હાથો બનાવવાનું દુષ્કાર્ય કરવામાં આવી રહ્યું છે. મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલા કૃષિ કાયદાઓમાં સમાવિષ્ટ મુદ્દાઓને અમલી બનાવવાની માંગ એક સમયે ખુદ કોંગ્રેસે કરી હતી અને જણાવ્યું હતું કે , ખેડૂતોના ઉત્થાન માટે આ નવા કાયદા અમલી બનાવવા જરૂરી છે, તે જ કોંગ્રેસ આજે ખેડૂતોના નામે નિમ્નસ્તરની રાજનીતિ કરી રહી છે.

પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે વારંવાર સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે એ.પી.એમ.સી.ની વ્યવસ્થા અને એમ.એસ.પી થી ખેતપેદાશોની ખરીદી ચાલુ જ છે અને આગળ પણ ચાલુ જ રહેશે. ખેડૂતોને નવા કાયદા મુજબ તેની ખેત પેદાશનું પસંદગીના ખરીદદારને વેચાણ કરવા અંગે આઝાદી આપવામાં આવી છે, તેમ છતાંય તેનો અયોગ્ય વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનશીલ નિર્ણય થકી જ રાજ્યની ભાજપ સરકાર દ્વારા અતિવૃષ્ટિ માટે ખેડૂતોને માતબર સહાય સીધી જ તેના ખાતામાં ચૂકવવામાં આવી છે

આ બેઠકને સંબોધતાં કેન્દ્રીય કૃષિમંત્રી પરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ આ આંદોલન અંગે કેન્દ્રની ભાજપ સરકાર સંપૂર્ણ હકારાત્મકતા અને ખુલ્લા મનથી સંવાદ કરી રહી છે. ખેડુતોની કૃષિ કાયદા અંગેની શંકાઓ દૂર થાય, તેમને સંતોષ થાય અને તે માટે કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે નવા કૃષિ સુધારા અંગે સમાજમાં અનેક ભ્રમણાઓ અને અફવાઓ ફેલાવાઇ રહ્યા છે, આપણા સૌની ફરજ છે કે આપણે ખેડૂતો સુધી તેમના હિતમાં લેવાયેલા આ મહત્વ પગલાંઓ અંગે સાચી જાણકારી આપીએ.

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આ ક્રાંતિકારી કૃષિ કાયદાઓ વાસ્તવિક રીતે ખેડૂતોના હિતમાં અને લાભદાયી છે. કેટલાક રાજકીય સંગઠનનું અસ્તિત્વ જોખમમાં હોય તેઓ પોતાનું અંગત હિત સાધવા ખેડૂતનો ઉપયોગ કરી રહ્યા છે જેને હૈયે દેશહિત કે ખેડૂત હિત નથી તેવા તત્વો રાષ્ટ્રની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે દેશ અને રાજ્યની સમગ્ર ખેડૂત આલમ આ કૃષિ કાયદાઓના લાભથી અવગત થાય તે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે.

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપાના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખઓ, સાંસદો, જિલ્લા/મહાનગરના ભાજપ પ્રભારીઓ/ પ્રમુખો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા

(10:20 am IST)