Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ખોટા ઇ વે બિલ જનરેટ કરવાના કૌભાડનો પર્દાફાશ : સામાન્ય માણસના નામે બોગસ પેઢીઓ ઊભી કરી 6.31 કરોડનું વેરા કૌભાડ

આરોપી હિરેન પટેલને કોર્ટમાં રજૂ કરીને 14મી સુધી કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની મંજુરી મેળવાઈ

અમદાવાદ : ખેત મજૂર, છુટક મજુરી કરતા તથા નાની મોટી ખાનગી પેઢીમાં કામ કરતાં સામાન્ય માણસના નામે બોગસ પેઢીઓ ઊભી કરીને ખોટા ઇ વે બિલ જનરેટ કરવાના કૌભાડનો પર્દાફાશ થયો છે. આ કૌભાડમાં વિવિધ પેઢીઓ દ્વારા 109.97 કરોડના કુલ 838 ઇ-વે બિલ જનરેટ કરીને અત્યાર સુધીમાં 6.31 કરોડનું વેરા કૌભાડ કરાયું છે. આ કૌભાડના મુખ્ય સૂત્રધાર હિરેશ પટેલની આજે જીએસટી વિભાગે ધરપકડ કરી હતી. આ આરોપી હિરેન પટેલને કોર્ટમાં રજૂ કરીને 14મી ડિસેમ્બર સુધી કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની મંજુરી મેળવી છે.

બોગસ બિલિંગ કરનારા વ્યક્તિઓને પકડવાની જીએસટી વિભાગ દ્વારા રિતસરની ઝુંબેશ હાથ ધરી છે. દરમિયાનમાં જીરાની કોમોડિટીમાં ગરીબ વ્યક્તિઓના નામના દસ્તાવેજોનો દુરપયોગ કરીને બોગસ પેઢીઓ ઊભી કરીને બોગસ પેઢીઓના ઇ-વે બિલ જનરેટ કરીને જીએસટી ન ભરવાની મોડેસ ઓપેરેન્ડી ધ્યાનમાં આવી હતી. જેથી તે દિશામાં તપાસ કરતાં ઊંઝા ખાતે વિવિધ પેઢીઓમાં સ્થળ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મે. ખોડિયાર સ્પાઇસીસના ધંધાના સ્થળે દરોડા પાડયા હતા. પરંતુ તે બંધ હોવાથી તેના માલિક હિરેન મોહનભાઇ પટેલનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓ રાજય બહાર હોવાનું ખોટું કારણ આપીને નાસતા ફરતા હતા. જેથી જીએસટી વિભાગે તેમની હિલચાલ પર વોચ ગોઠવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, તેઓ અંબાજી, માઉન્ટ આબુ, ઉદેપુરમાં ફરતા હતા. આમ રોજબરોજ તેઓ જગ્યા બદલી નાંખતા હતા. દરમિયાનમાં માહિતીના આધારે અંબાજી ખાતેના એક ગેસ્ટ હાઉસમાંથી 9મીના રોજ સવારે પકડી લીધા હતા. તેમની પાસેથી મોબાઇલો, પેનડ્રાઇવ, દસ્તાવેજો, ભાડા કરાર, સ્ટેમ્પ, બુકો વગ્રે વાંધાજનક પુરાવાઓ કબજે કર્યા હતા

જીએસટી વિભાગે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, હિરેન પટેલે છુટક મજુરી કરતાં, ખેતી કરતા તેમ જ નાની મોટી ખાનગી પેઢીમાં કામ કરતાં વ્યક્તિઓને નાણાંકીય પ્રલોભન આપી તેઓના દસ્તાવેજોનો દુરપયોગ કરીને જીએસટી નોંધણી નંબર મેળવ્યો હતો. તેમને માત્ર કાગળ પરના માલિક બનાવ્યા હતા. તેમના નિવેદનમાં સ્પ,ટ થયું હતું કે, આવી રીતે ઊભી કરેલી પેઢીઓનો તમામ વહીવટ આરોપી પોતે કરતા હતા. તેમણે વિવિધ પેઢીઓમાં માલ સપ્લાયના બિલો ઇસ્યુ કર્યા સિવાય ઇ – વે બિલો ઇસ્યુ કરી, ઇ – વે બિલના આધારે માલ સપ્લાય કરી તેના પર ભરવાપાત્ર વેરાની કરચોરી કરી હતી. વિવિધ પેઢીઓના દ્રારા 109.97 કરોડના કુલ 838 ઇ વે બિલ જનરેટ કરીને અત્યારસુધીમાં 6.31 કરોડનું વેરા કૌભાડ આચર્યું છે. તેમની 11મીના રોજ ધરપકડ કરીને અદાલત સમક્ષ રજૂ કરીને 14મી સુધીના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટેની મંજુરી મેળવી હતી .

(10:15 am IST)