Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ સહિતની 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરવા નિર્ણય

ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેનને પ્રવાસન વિભાગને સોંપી ચાલુ રાખવા રજુઆત

સાપુતારા: ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેન જે છેલ્લા ઘણા સમયથી ખોટ કરતી હતી તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં નારાજગી છે.
નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ સહિત રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે અને તેની જાહેરાત પણ કરી દીધી છે. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે તેવો એક પત્ર ચર્ચગેટ મુંબઇ ખાતે ને મોકલી આપ્યો છે

 . ડાંગના વઘઇ ખાતે વેપારી મંડળને આ બાબતની જાણ થતાં સરપંચ સહિત વેપારી મંડળના ચાર સભ્યો રેલવે સ્ટેશને પહોંચી સ્ટેશન સુપરિટેન્ડન્ટ ને મળવા પહોંચી ગયા હતા અને ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ માટે પ્રયત્નો કરવા રજુઆત કરી હતી. ડાંગના વેપારીઓનું કહેવું છે કે દેશમાં અનેક રેલવે લાઈન ખોટ કરે છે તો એ તમામ ને બંધ કરી દેવામાં આવશે, ગુજરાતમાં એકતરફ કરોડોના ખર્ચે બુલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય ત્યારે ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેન ને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પુરાઈ શકે છે.

(11:08 pm IST)