Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નગ્ન વીડિયો બતાવી યુવકોને બ્લેક મેઈલ કરતી યુવતીઓ

સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવીને ફસાવવાના કારસા : સુરતના કતારગામ, વરાછા વિસ્તારમાં રાજકારણ સાથે સંકળાયેલા સાથે આવા બનાવો સૌથી વધુ બની રહ્યા છે

સુરત, તા. ૧૧ : છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી કર્યા બાદ છોકરીના નગ્ન વીડિયો બતાવવામાં આવતા હોય છે. પછી સામેવાળાને પણ તે જ પ્રમાણે કરવાનું જણાવી તેના વીડિયો બનાવીને બ્લેક મેઇલ કરવામાં આવતા હોવાની વિગતો જાણવા મળી છે.

આવા બનાવો કતારગામ અને વરાછા વિસ્તારમાં રાજકારણ સાથે સંકળાયેલા સાથે સૌથી વધુ બની રહ્યા છે તેમજ તેઓ પાસે દર થોડા દિવસે ખંડણી પેટે ૧૦ હજાર વસૂલવામાં આવી રહ્યા છે. જોકે, તે પૈકી બેથી ત્રણ યુવાનોએ પોલીસમાં અરજી કરી છે. જ્યારે અન્ય લોકોએ ઇજજત જવાની બિકે હજુ પણ આ ટોળકીનો ભોગ બની રહ્યા છે.

યુવાનોને છેતરવા માટે છેલ્લા કેટલાક સમયથી નવા નવા કીમિયા અજમાવવામાં આવતા હોય છે. તેમાં પણ સોશિયલ મીડિયામાં છોકરીના ફોટા મૂકીને તેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવામાં આવતી હોય છે. ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવામાં આવ્યા બાદ થોડા દિવસ પછી તેને મેસેન્જર મારફતે વીડિયો કોલ કરીને છોકરી નગ્ન થઈ જતી હોય છે.

ત્યાર બાદ સામેવાળાને પણ તે જ પ્રમાણેની કહેવામાં આવતુ હોય છે. જેથી છોકરીની વાતોમાં ભોળવાઈ જઈને યુવાન દ્વારા એવુ કરવામાં આવતાની સાથે જ સામેવાળા દ્વારા સ્ક્રીન રેકોર્ડીંગ કરી લેવામાં આવતું હોય છે. જે સ્ક્રીન રેકોર્ડીંગ દસ મિનિટ પછી યુવાનના મેસેન્જરમાં મોકલવામાં આવતું હોય છે. તેની સાથે મેસેન્જર લિસ્ટમાં જે અન્ય વ્યક્તિ હોય તેનો પણ સ્ક્રીન શોટ પાડીને યુવાનને મોકલવામાં આવતું હોય છે.

યુવાન દ્વારા તેને જોવામાં આવ્યા બાદ બીજો એક મેસેજ કરીને આ ખાતામાં ૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો તારો આ વીડિયો બધાને મોકલી દેવામાં આવશે, તેવી ધમકી પણ આપવામાં આવતી હોય છે. દર પંદર દિવસે આ પ્રમાણે મેસેજ કરીને યુવાનો પાસેથી ૧૦-૧૦ હજાર બ્લેક મેઇલ કરીને પડાવવામાં આવી રહ્યાના કિસ્સા સૌથી વધુ કતારગામ અને વરાછા વિસ્તારમાં બની રહ્યા છે. જે અંગે કેટલાક યુવાનોએ તો કતારગામ પોલીસ મથકની સાથે સાઇબર ક્રાઇમમાં પણ આ ટોળકી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં ફરીયાદ કરી છે. છેલ્લા બેથી ત્રણ મહિનામાં આ ટોળકી દ્વારા સૌથી વધુ શિકાર રાજકીય પાર્ટી અથવા તો સામાજિક સંસ્થા સાથે જોડાયેલા યુવાન કાર્યકરોને જ શિકાર બનાવ્યા છે. કારણ કે આ લોકોને શિકાર બનાવવામાં આવે તો સરળતાથી તેઓ પાસેથી નાણાં પડાવી શકાય તેમ છે. કારણ કે તેઓ દ્વારા કરવામાં આવેલી આવાં કરતૂત બહાર પડી જાય તો સમાજમાં બદનામી થવાની સાથે તેઓની કારકિર્દી પર પણ સવાલો ઊભા થઈ શકતા હોય છે. જેથી આવા લોકોને શિકાર બનાવવામાં આવે તો પોલીસ કાર્યવાહીથી પણ બચી શકાતું હોય છે.

(8:58 pm IST)