Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સારવારના દરમાં ઘટાડો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવકાર્ય નિર્ણય : જનરલ વોર્ડમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓ પાસેથી રોજના નવ હજારને બદલે ૮,૧૦૦ રુપિયા લઈ શકાશે

અમદાવાદ, તા. ૧૧ : કોર્પોરેશન દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે દર્દીઓ પાસેથી લેવાતા દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા દરોનો અમલ ૧૨ ડિસેમ્બરથી શરુ થઈ જશે. અત્યારસુધી પ્રાઈવેટ હોસ્પિટલો વોર્ડમાં દાખલ થનારા દર્દીઓ પાસેથી રોજનો ૯ હજાર રુપિયા ચાર્જ વસૂલતી હતી, જે ઘટાડીને હવે ૮૧૦૦ રુપિયા કરાયો છે.

આ સિવાય હવેથી જે દર્દીઓ એચડીયુમાં એડમિટ થશે, તેમની પાસેથી હવે પ્રાઈવેટ હોસ્પિટલ્સ રુ. ૧૧,૩૦૦થી વધુનો દૈનિક ચાર્જ લઈ શકશે નહીં. જે દર્દીઓ આઈસીયુમાં હોય, પરંતુ વેન્ટિલેટર પર ના હોય તેમની પાસેથી રોજનો ૧૬,૨૦૦ રુપિયા ચાર્જ લઈ શકાશે. જ્યારે, આઈસીયુ વીથ વેન્ટિલેટરનો દૈનિક ચાર્જ રુ. ૧૯,૬૦૦ નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉ રુ. ૨૧,૮૫૦ હતો. આ ચાર્જ જે હોસ્પિટલોમાં કોર્પોરેશને પણ બેડ હસ્તગત કરેલા છે તેમના માટેના છે.

જે હોસ્પિટલોમાં માત્ર પ્રાઈવેટ બેડ પર કોરોનાની સારવાર અપાઈ રહી છે, તે હોસ્પિટલોને ઉપર દર્શાવ્યા કરતા પણ ઓછા ચાર્જ લેવાના રહેશે. જેમાં વોર્ડનો દૈનિક ચાર્જ રુ. ૭,૨૦૦, એચડીયુનો ૧૦ હજાર, વેન્ટિલેટર વિના આઈસીયુ માટે ૧૪,૪૦૦ અને વેન્ટિલેટર વીથ આઈસીયુ માટે રુ. ૧૭,૫૦૦નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ચાર્જમાં હોસ્પિટલ દ્વારા બે ટાઈમ જમવાનું અને નાસ્તો આપવાનો ચાર્જ પણ સામેલ છે. જ્યારે ડોક્ટરની ફી દર્દીએ અલગથી આપવાની રહે છે.

બીજી તરફ, કોર્પોરેશને જે બેડ હસ્તગત કરેલા છે તેના ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ કોર્પોરેશન પોતાના હસ્તક રહેલા બેડ્સ માટે વોર્ડના રુ. ૪૫૦૦, એચડીયુના રુ. ૬૭૫૦, વેન્ટિલેટર વગરના આઈસીયુના રુ. ૯૦૦૦ અને વેન્ટિલેટર સાથેના આઈસીયુ માટે રુ. ૧૧,૨૫૦નો દૈનિક ચાર્જ ચૂકવે છે. આ સિવાય કોર્પોરેશને પોતાના ક્વોટાના બેડમાં પણ ઘટાડો કર્યો છે. અગાઉ આ સંખ્યા ૧૭૪૫ હતી, જે હવે ઘટાડીને ૧૪૨૯ કરાઈ છે. અગાઉ ૭૬ હોસ્પિટલોમાં કોર્પોરેશને બેડ હસ્તગત કર્યા હતા, જે હવે ઘટીને ૩૦ થઈ છે.

કોરોના ફેલાયો છે ત્યારથી અમદાવાદની મોટાભાગની ખાનગી હોસ્પિટલો પણ તેના પેશન્ટ્સની સારવાર કરી રહી છે. અગાઉ પ્રાઈવેટ હોસ્પિટલો તેના માટે તગડા ચાર્જ વસૂલતી હોવાની ફરિયાદો થતાં કોર્પોરેશન દ્વારા ફિક્સ ચાર્જ નક્કી કરાયા હતા, અને તેના બોર્ડ પણ હોસ્પિટલ આગળ મૂકાયા હતા, જેથી તમામ દર્દીઓ તેમજ તેમના સગાને પણ હોસ્પિટલમાં કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ચાર્જ વસૂલાય છે કે નહીં તે ખબર પડી શકે.

(8:55 pm IST)