Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ખેડૂતને ફસાવી ૧૦ લાખનો તોડ કરવા જતી ગેંગ ઝડપાઈ

ખેડૂતોને હનિટ્રેપમાં ફસાવતી ગેંગ રાજ્યમાં સક્રિય : ગોંડલના ખેડૂતને પ્રેમજાળમાં ફસાવીને મહિલા, તેના પતિ, અન્ય સાગરિતોએ માર મારી જબરજસ્તી લખાણ લખાવ્યું

રાજકોટ, તા. ૧૧ : લોકોને હનીટ્રેપમાં ફસાવી મોટા ના તોડ કરતી એક ગેંગની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. જેમાં એક મહિલા અને તેનો પતિ પોતાના સાગરીતો સાથે મળીને શિકારને જાળમાં ફસાવતા હતા. આ ગેંગ દ્વારા ગોંડલના સેમળા ગામના એક ૫૫ વર્ષીય ખેડૂત મગન પટેલ ફસાવવામાં આવ્યા હતા, અને ફોન પર તેમની સાથે મીઠી-મીઠી વાતો કર્યા બાદ ગેંગની સભ્ય મીરા ગુજરાતીએ એક દિવસ ખેડૂતને હું ઘરે એકલી જ છું, તમે આવી જાઓ કહી પોતાને ત્યાં બોલાવી લીધા હતા.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ભેંસ વેચવાના બહાને મીરાએ મગન પટેલ સાથે ફોન પર વાત કરવાનું શરુ કર્યું હતું. મીરાએ મગનભાઈને મીઠી-મીઠી વાતો કરીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. આ કાવતરામાં મીરાનો પતિ પણ સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ૭ ડિસેમ્બરના રોજ મીરાના પતિ રણજીતે મગન પટેલને ફોન કરીને પોતે ઢોર ખરીદવા ચોટીલા જઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું.

મીરાના પતિએ ફોન કર્યાના થોડા જ સમયમાં મીરાએ પણ મગન પટેલને ફોન કરીને આજે મારો પતિ ચોટીલા ગયો છે, અને હું ઘરે એકલી જ છું. તમે વાડીએ આવી જાઓ તેમ કહીને બોલાવ્યા હતા. મીરાના ફોન બાદ તેઓ તેણે કહેલી જગ્યાએ પહોંચ્યા હતા. જોકે, મગન પટેલ જેવા ત્યાં ગયા કે મીરા, તેના પતિ અને અન્ય બે સાગરીતોએ તેમને દોરડાથી બાંધીને એક ઓરડીમાં પૂરી દીધા હતા. અહીં તેમને માર મારીને તેમની પાસે ૧૦ લાખ રુપિયા માગ્યા હતા.

વાત આટલેથી પૂરી નહોતી થઈ. મગન પટેલને ફટકારીને મીરા અને તેની ગેંગે તેમની પાસે એવું બોલાવડાવ્યું હતું કે તેમણે મીરાની છેડતી કરી છે, અને તેનો તેમણે વિડીયો પણ બનાવી લીધો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમને છરો બતાવીને ગુપ્તાંગ કાપી નાખવાની ધમકી આપતા તેઓ ૧૦ લાખ રુપિયા આપવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ મગન પટેલ પાસેથી મીરાને ૧૦ લાખ રુપિયા લેવાના છે તેવું લખાણ લખાવી તેના પર અંગૂઠો મરાવીને ઘરે જવા દીધા હતા.

આ ઘટના બાદ ડરી ગયેલા મગન પટેલ પોતાની ઈજ્જત ધૂળમાં મળી જશે તેવું વિચારીને બે દિવસ તો ગુમસૂમ રહ્યા હતા. જોકે, તેમણે પરિવારજનોને આ અંગે વાત કરતા તેમણે તેમને હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. આખરે હિંમત એકઠી કરી મગન પટેલે આજીડેમ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દાખલકરાવી હતી. જેના આધારે તપાસ શરુ કરી પોલીસે મીરા, તેના પતિ અને અન્ય બે સાગરિતોને પકડીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ગેંગ દ્વારા બીજા કોઈની પાસેથી આ પ્રકારે પૈસા પડાવાયા છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

(8:57 pm IST)