Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

લક્ઝરીએ બાઈકને ટક્કર મારતા લોકો વિફર્યા, હાઈવે જામ કરાયો

મુંબઈ- અમદાવાદ હાઈવે અકસ્માતથી અજંપો : ઊંભેળ ગામ નજીક થયેલી દુર્ઘટનામાં પિતા-પુત્રનો બચાવ

બારડોલી, તા. ૧૧  : કામરેજ તાલુકાના ઊંભેળ ગામ નજીક પુત્ર સાથે હાઇવે ક્રોસ કરી રહેલા યુવકની મોટર સાયકલને પૂરઝડપે આવતી લક્ઝરી બસે અડફેટમાં લેતા ગ્રામજનો ઉશ્કેરાય ગયા હતા. આ અકસ્માતમાં પિતા પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. ગ્રામજનોએ અકસ્માતને પગલે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે જામ કરી દેતાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતો. જેને કારણે મુંબઈ અમદાવાદનો વાહન વ્યવહાર ખોરવાય ગયો હતા.

આ અંગે સ્થળ પરથી મળતી માહિતી અનુસાર ઊંભેળ ગામનો એક યુવક શુક્રવારે સવારે પોતાના ઘરેથી પુત્રને મોટર સાયકલ પર બેસાડી ફરવા માટે નીકળ્યો હતો. તે સમયે ગામ નજીકથી પસાર થતાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર ૪૮ ક્રોસ કરી તે સામેની બાજુ જઈ રહ્યો હતો તે સમયે હાઇવે પર પૂરઝડપે આવતી એક ખાનગી લક્ઝરી બસે યુવકની મોટર સાયકલને અડફેટમાં લીધી હતી. આખી મોટર સાયકલ બસના આગળના વ્હીલમાં કચડાઈ ગઈ હતી. નસીબજોગ પિતા અને પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો હાઇવે પર દોડી આવ્યા હતા અને વારંવાર થતાં અકસ્માતને લઈ હાઇવે પર ચક્કાજામ કરી દીધું હતું. બંને તરફના વાહનોને રોકી હાઇવે જામ કરી દેતાં વાહનોની ત્રણ ત્રણ કિમી સુધીની લાંબી લાઇન લાગી ગઈ હતી. જામને કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો માર્ગ વાહન વ્યવહાર ખોરવાય ગયો હતો. ગ્રામજનોએ આ જગ્યા પર વારંવાર અકસ્માત સર્જાતા હોય આજથી આઠ માસ પૂર્વે હાઇવે પર ઓવરબ્રિજ કે અંડર પાસ બનાવવાની માગ કરી હતી. જો માગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી આપતા જે તે નેતાઓએ લેખિતમાં ૬ મહિનામાં ઓવરબ્રિજ અથવા તો અંડરપાસનું કામ શરૂ કરાવી દેવાની બાહેંધરી આપી હતી. પરંતુ આઠ મહિના બાદ પણ અંડર પાસ કે ઓવરબ્રિજના કોઈ ઠેકાણા નહીં હોય ગ્રામજનો નેતાઓની વાતમાં આવી છેતરાયા હોવાનો અનુભવ થતાં તેઓ આજે સર્જાયેલા અકસ્માત બાદ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

(8:59 pm IST)