Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ત્રણ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને સુરત સેસન્સ કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી

ઓગસ્ટ 2018માં બનેલા દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે સંભળાવી સજા

સુરતમાં 3 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને સુરત સેસન્સ કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની સજા અને 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. આરોપી નરાધમે બાળકીનું અપહરણ કરી અગાસી પર લઇ જઈ તેનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. જો કે, આખરે 2 વર્ષ બાદ આ કેસની ટ્રાયલ પૂરી થઇ હતી અને જજ પીએસ કાલા સાહેબે આરોપીને સજા ફટકારતો હુકમ કર્યો છે

સુરતના  હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ પાસે મૂળ યુપીનો શ્રમજીવી પરિવાર રહેતો હતો. પિતા ફેક્ટરીમાં નોકરી કરતા હતા. તેમની ૩ વર્ષીય બાળકી 13 ઓગસ્ટ 2018ના રોજ ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન ત્યાં ઘર નજીક જ રહેતો આરોપી 25 વર્ષીય મંગલસિંગ ઉર્ફે મહેન્દ્રસિંગ માનવેલસિંગ ત્યાં આવી પહોચ્યો હતો અને બાળકીનું મોઢું દબાવી તેને અગાસી પર લઇ ગયો હતો. ત્યારબાદ આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. બીજી તરફ બાળકી ન મળતા માતા-પિતાએ શોધખોળ હાથ ધરી હતી.

   દરમિયાન બાળકીની ચીસ સંભળાતા બાળકીના પિતા અગાસી પર પહોચ્યાં હતાં. જ્યાં બાળકી અને નરાધમ નગ્ન હાલતમાં હતાં. બાળકીના પિતાને જોઈ આરોપી નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો, તો બીજીતરફ બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું. જેથી બાળકીના પિતા તાત્કાલિક પીડિતાવે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં બાળકીની સારવાર ચાલી હતી. આ ઘટનામાં પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે, આશરે 2 વર્ષ બાદ કોર્ટની ટ્રાયલ પૂર્ણ થતાં એપીપી કિશોર રેવલીયાએ આરોપીને કડક સજા થાય તેવી માગ કરી હતી. જેમાં જજ પીએસ કાલા સાહેબે આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા અને 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો.

(8:35 pm IST)