Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત

યોગ્ય સારવારના અભાવે બાળકનું કરૂણ મોત : મહિલાને પ્રસૂતિ માટે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી પણ સારવારના અભાવે શિશુનું મોત

અમદાવાદ, તા.૧૨ :  મધ્યપ્રદેશના જામ્બુવાની મહિલાને છોટાઉદેપુરના બોડેલી ખાતે પ્રસુતિ માટે લવાયા બાદ પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર કમ્પાઉન્ડની અંદર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. જો કે, યોગ્ય સારવારના અભાવે નવજાત બાળક મોતને ભેટ્યું હતું. આ અંગેનો વીડિયો કોઇ વ્યક્તિએ મોબાઇલમાં ઉતારી લીધો હતો. જેને લઇ હવે બહુ મોટો વિવાદ સામે આવ્યો છે. ખાસ કરીને હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર હોવા છતાં હોસ્પિટલની બહાર કેમ પ્રસુતિ કરાવવામાં આવી તે સહિતના મુદ્દે હવે તપાસની માંગ ઉઠી છે. આ અંગેની વિગત એવી છે કે, મધ્યપ્રદેશના મોખડા ગામની ૨૧ વર્ષીય મહિલા બસુડીબેન સાધુભાઇ ખરાડીને તા.૧૦ ડિસેમ્બરે સાંજે પ્રસુતિની પીડા ઉપડતા છોટા ઉદેપુરના બોડેલી સીએચસી સેન્ટર ખાતે લાવવામાં આવી હતી.

બોડેલી સીએચસી સેન્ટરમાં ગાયનેકની સુવિધા ન હોવાથી મહિલાને જબુગામની રેફરલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી. જોકે ચાલુ સારવાર દરમિયાન કોઇને કહ્યા વિના પરિવાર મહિલાને લઇને તા.૧૧ ડિસેમ્બરે ફરી બોડેલી સીએચસી સેન્ટર પર આવ્યો હતો, જેથી બોડેલી સીએચસી સેન્ટરના સ્ટાફે તેઓને કહ્યું હતું કે, અહીં કેમ આવ્યા છો. સારવાર માટે ફરી જબુગામ જાઓ. પરંતુ આ પરિવાર બોડેલી સીએચસી સેન્ટરમાંથી મધ્યપ્રદેશ પાછા જવાનું કહીને ત્યાંથી નીકળી જવા ઉપડતો હતો ત્યારે જ બોડેલી સીએચસીના કમ્પાઉન્ડમાં જ મહિલાને પીડા ઉપડી હતી. હોસ્પિટલ સ્ટાફે હોસ્પિટલની બહાર જાહેરમાં જ મહિલાની પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. જો કે, આઘાતજનક અને ચોંકાવનારી વાત તો એ હતી કે, બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક ડોક્ટર જ નહી હોવાથી મહિલાને જબુગામ ખાતે પ્રસુતિ માટે મોકલવામાં આવી હતી. જો બોડેલી સીએચસીમાં ગાયનેક ડોક્ટર હોત તો બાળકને બચાવી શકાયું હોત. જોકે હોસ્પિટલની બહાર કમ્પાઉન્ડમાં મહિલાની કેમ પ્રસુતિ કરાવવામાં આવી તે પણ તપાસનો વિષય છે. આ મામલે હવે યોગ્ય તપાસની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

(9:56 pm IST)