Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ઘટવાની વકી

નવસારી સહિત કેટલાક ભાગોમાં માવઠું : અમદાવાદમાં પારો ૧૭.૬ ડિગ્રી : તાપમાનમાં ફેરફારો

અમદાવાદ, તા.૧૨ :  દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે પણ માવઠું પડતા ઠંડીનું મોજુ રહ્યું હતું. નવસારીમાં માવઠાના અહેવાલ મળ્યા છે. હાલમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદના લીધે એકાએક તાપમાનમાં ઘટાડો થયો છે. જો કે, આજે ગઇકાલની સરખામણીમાં મોટાભાગના વિસ્તારોમાં પારો ઉપર ગયો હતો.   અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૭.૬ રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૪.૬ રહ્યું હતું. જો કે, સૌથી વધારે ઠંડીનો અનુભવ વલસાડમાં થયો હતો જ્યાં પારો ૧૨.૬ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું. પશ્ચિમી પવનોની સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જીવંત થયુ છે, જેની અસર અરબી સમુદ્ર પરથી વાતા પવનને થઇ છે. આવી પરિસ્થિતિના કારણે આગામી બે દિવસ સુધી રાજ્યના દરિયાઈ પટ્ટીમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિચિત્ર વાતાવરણના કારણે સ્થાયી ઋતુ પર અસર પડતા જામી રહેલ શિયાળાની ઠંડી ઓછી થવા પામી છે, જો કે આ હવામાન વિખેરાઈ ગયા બાદ ઠંડી વધશે એવી આગાહી પણ હવામાન વિભાગે કરી હતી. બીજી બાજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન રહ્યું હતું. ઠંડીના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે.  હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આ સ્થિતિ રહેશે એમ આગાહી કરી છે. વાતાવરણના પલટા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણભૂત ગણવામાં આવ્યું છે. ગઇકાલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળ વિસ્તારની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં કમોસમી બંધાયેલા વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. મીઠાપુર અને આસપાસના ગ્રામ્ય  વિસ્તારમાં પણ મંગળવારના દિવસે કમોસમી વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ હાલારના જામનગર અને દ્વારકા જીલ્લાની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો હતો. આ માહોલ હજુ પણ યથાવત છે. પાટનગર ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાન ૧૫.૪ અને નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિતા રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે જેથી લોકોને સાવચેત રહેવું પડશે.

(9:46 pm IST)