Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

રાહુલે શહીદની બેટીની વ્યથા શાંતિથી સાંભળી ખાતરી આપી

રૂપાણીની સભામાં તેણીને હડધૂત કરી કાઢી મૂકાઇ : ભાજપના અપમાનજનક વ્યવહારની તુલનાએ કોંગ્રેસના યુવા અધ્યક્ષે વ્યથા સાંભળતા સૈનિકની બેટી સંતુષ્ટ દેખાઇ

અમદાવાદ, તા.૧૨ :    તાજેતરમાં જ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરસભામાંથી એક શહીદ આદિવાસી સૈનિકની બેટી પોતાની રજૂઆત કરવા પહોંચી ત્યારે તેણીને હડધૂત કરી તેની સાથે થયેલા અપમાનજનક વ્યવહારના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને શહીદ સૈનિકના પરિવાર સાથે આવા ઘૃણાસ્પદ વર્તનની ચોતરફથી ટીકા થઇ હતી ત્યારે આજે કોંગ્રેસ પક્ષના નવનિયુકત રાહુલ ગાંધીએ અમદાવાદ એરપોર્ટની બહાર જ આ શહીદ આદવાસી સૈનિકની બેટીને મળી તેની વ્યથા શાંતિપૂર્વક સાંભળી હતી અને તેને સાંત્વના સાથે પૂરતું આશ્વાસન આપ્યું હતું.

   શહીદ આદિવાસી સૈનિકની બેટી ભાજપ તરફથી મળેલા ધૂત્કાર અને અપમાનજક વ્યવહાર બાદ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવા આવી રહ્યા હોવાના સમાચાર જાણી એરપોર્ટ પર તેમને મળવા અને પોતાની રજૂઆત કરવા પહોંચી ગઇ હતી. રાહુલ ગાંધીએ પણ એરપોર્ટ પર ઉતરતાંની સાથે આ સમાચાર મળતાં સીધા તેઓ શહીદ સૈનિકની બેટી પાસે પહોંચ્યા હતા અને તેની વ્યથા-રજૂઆત શાંતિપૂર્વક સાંભળ્યા હતા.

 રાહુલ ગાંધીએ તમામ વાત સાંભળ્યા બાદ તેને ચિંતા નહી કરવા અને ઘટતી કાર્યવાહી કરવાની સાંત્વના સાથે પૂરતુ આશ્વાસન આપ્યું હતું. શહીદ સૈનિકની બેટીએ પણ કોંગ્રેસના યુવા અધ્યક્ષે તેણીની રજૂઆત સાંભળી તો ખરી તેની પ્રતીતિ થતાં આભાર માન્યો હતો.

   ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ મેજર જનરલ સતબીરસિંહ(સેના મેડલ)એ આ શહીદ આદિવાસી સૈનિકની બેટી પર અત્યાચારની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી તેની તીખી આલોચના કરી હતી અને સાથે સાથે ન્યાય માંગી રહેલા  શહીદ આદિવાસી સૈનિકની બેટી પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરસભામાં ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા જમીન પર ઘસડીને કેમ લાઠીઓ વીંઝવામાં આવી ? શું પૂર્વ સૈનિક પરિવારોને ભાજપના શાસનમાં મદદની જગ્યાએ ફકત ધુત્કાર અને અન્યાયનો જ રસ્તો મળ્યો છે? એવા પ્રશ્ન ઉઠાવી વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

(8:07 pm IST)