Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

આણંદમાં ઘરફોડી ચોરીનું પ્રમાણ વધતા પોલીસ તંત્ર સજાગ

આણંદ:પંથકમાં સમાવિષ્ટ આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી દરમ્યાન થતી ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી જવા પામ્યું છે જેને લઈને પોલીસ અને પ્રજાજનોની ઉંઘ હરામ થઈ જવા પામી છે. તસ્કરો દ્વારા બંધ મકાનને જ નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરીઓ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગયા વર્ષે નવેમ્બર મહિના સુધીમાં દિવસની ૩ ઘરફોડ, રાત્રીની ૭૮ અને સાદી ચોરીઓની ૧૮૩ ઘટનાઓ બની હતી જ્યારે આ વર્ષે દિવસની ૩, રાત્રીની ૮૭ અને સામાન્ય ચોરીઓની ૧૮૬ ઘટનાઓ બની છે. આણંદ ડિવીઝનમાં આવતાં આણંદ શહેર, ગ્રામ્ય, વિદ્યાનગર, ભાલેજ, ઉમરેઠ, ખંભોળજ અને વાસદ પોલીસ મથકોમાં તસ્કરોને જાણે કે તડાકો પડ્યો હોય તેમ ચોરીઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાય કિસ્સાઓમાં તો ચોરીઓની ફરિયાદો પણ થતી નથી. ઉપરાંત પોલીસ દ્વારા જે ચોરીઓના ગુનાઓ દાખલ કરવામાં આવે છે તેને મીનીમાઈઝ કરી દેવામાં આવે છે. આણંદ પંથકમાં વિવિધ તાળા તોડ, ગ્રીલ તોડ, દિવાલને બાકોરું પાડીને, નકુચા તોડીને, તેમજ દુકાનોના શટકો ઉંચા કરીને ચોરીઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. દેવીપૂજક, આદિવાસી સહિત વિવિધ ગેંગો આણંદ પંથકમાં સક્રિય છે. મોટાભાગની ગેંગો દિવસ દરમ્યાન બંધ મકાનોની રેકી કરવામાં આવે છે અને રાત્રીના સુમારે ત્રાટકીને બિન્ધાસ્તપણે ચોરીઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.

(6:11 pm IST)