Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ડુપ્લીકેટ ચેક બનાવી ભેજાબાજે નર્મદ યુનિવર્સીટીને 1.75 કરોડનો ચૂનો ચોપડતા ચકચાર

સુરત:વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ થતા એડવાન્સ ચેકોની ભેજાબાજ ટોળકીએ ડુપ્લીકેટ કોપી બનાવીને બેન્ક એકાઉન્ટમાં ચેક નાખીને યુનિવર્સિટીને રૃા.૧.૭૫ કરોડનો ચૂનો ચોપડતા યુનિવર્સિટીનું તંત્ર દોડતું થઇ ગયું હતું.  માત્ર યુનિવર્સિટી જ નહીં આ ટોળકીએ અન્ય સરકારી કચેરીઓને પણ ઝપટમાં લેતા સીબીઆઇ દ્વારા આગામી દિવસોમાં ઇન્કવાયરી શરૃ થવાના એંધાણ વર્તાઇ રહયાં છે.

આ ભેજાબાજ ટોળકીએ કેવી રીતે યુનિવર્સિટીને ઉલ્લુ બનાવીને ડુપ્લીકેટ ચેકો થકી રૃપિયા ઉપાડયા છે, તેની ગુપ્ત રાહે મળેલી વિગત એવી છે કે યુનિવર્સિટી દ્વારા થતા વિવિધ કામો માટે એડવાન્સ ચેક આપવામાં આવે છે.

આ એડવાન્સ ચેકો આ ભેજાબાજ ટોળકીએ યેનકેન પ્રકારે મેળવી લઇને આ ચેકના જેવા જ ડુપ્લીકેટ ચેકો બનાવવાના શરૃ કર્યા હતા. અને પકડાઇ ના જાય તે માટે આ ટોળકીએ ચોકસાઇ રાખીને જે તે બેન્કમાં જ જમા કરાવી રકમ મેળવી લીધી હતી.

યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ આ રીતે આ ટોળકીએ યુનિવર્સિટીના એક નહીં, પરંતુ ૨૫ જેટલા ડુપ્લીકેટ ચેકો બેન્કમાં જમા કરાવીને પોણા બે કરોડ ખાતામાં જમા કરાવી લીધા હતા. જે પાર્ટીને ચેકો આપ્યા હતા, તેના બદલે ભળતી જ પાર્ટીના ખાતામાં રૃપિયા જમા થતા હોવાનું યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓને  ધ્યાને આવતા બેન્કમાં જઇને તપાસ કરાઇ હતી.

જેમાં ભોપાળુ બહાર આવતા નાણાંકીય વ્યવહારો અટકાવી દેવાયા હતા. બેન્ક દ્વારા જે ડુપ્લીકેટ ચેકો જમા થયા હતા, તેમાંથી સવા કરોડ ફરી પાછા યુનિવર્સિટીના ખાતામાં જમા પણ થઇ ગયા છે. અને બાકીના રૃા.૫૦ લાખ માટે યુનિવર્સિટી દ્વારા તપાસ ચાલી રહી છે.

આ ભેજાબાજ ટોળકીએ માત્ર યુનિવર્સિટીને જ નહીં પરતુ અન્ય સરકારી સંસ્થાઓને પણ નિશાન બનાવી હોવાનું જાણવા મળ્યુ છે. અને આ ટોળકીએ આંતરરાજય કૌભાંડ આચર્યુ હોવાથી સીબીઆઇ  દ્વારા પણ આગામી  દિવસોમાં તપાસ થાય તેમ છે.

(5:57 pm IST)