Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

વડોદરામાં 1200થી વધુ બીએસએનએલ કર્મચારીઓની હડતાળથી ગ્રાહકોને હાલાકી

વડોદરા:વડોદરાના ૧૨૦૦ વધુ ટેલિકોમ કર્મચારીઓ આવતીકાલ તા.૧૨ ડિસેમ્બરથી બે દિવસ માટે સંપૂર્ણ હડતાળ પર જવાના હોવાથી સમગ્ર વડોદરા ટેલિકોમ જિલ્લાની ફોન સેવા ખોરવાઇ જવાની શક્યતા છે. ગ્રાહકો બિલ ચૂકવણી પણ નહિ કરી શકે તેમજ ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે પણ કોઇ સેવા મેળવી શકશે નહિ.

પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીની ખોટનું કારણ આગળ ધરીને સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના કર્મચારીઓનું વેજ રિવિઝન જાન્યુઆરી, ૨૦૧૭થી કરાયું નથી. કર્મચારીઓ સરકારની આ અન્યાયી નીતિનો વિરોધ કરી વેજ રિવિઝન માગી રહ્યા છે.

વળી સરકાર અબ્સિડરી ટાવર કંપનીની રચના કરવા માગે છે. આ રીતે હકીકતમાં તો બીએસએનએલના ખાનગીકરણનો ઇરાદો રહ્યો છે. જો ટાવર કંપની બનશે તો કંપનીના હાલના બે લાખ કર્મચારીઓનું ભાવિ અંધકારમય થઇ જશે. આથી કર્મચારીઓ ટાવર કંપનીની રચના અટકાવવા માગણી કરી રહ્યા છે.

પોતાની આ બે માગણીના ટેકામાં બીએસએનએલના બધા જ કર્મચારી-સંગઠનો સામૂહિકપણે આવતીકાલ તા.૧૨ અને તા.૧૩ ડિસેમ્બરે સંપૂર્ણ હડતાળનું એલાન આપ્યું છે. આથી વડોદરા ટેલિકોમ જિલ્લામાં ફોનને લગતી બધી સેવા ઠપ્પ થઇ જશે.

(5:53 pm IST)