Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

અ'વાદમાં તંત્રની બેદરકારી : સીજીરોડ પર લારી-ગલ્લાની સંખ્યામાં વધારો થતા ટ્રાફિક જામની સમસ્યા

અમદાવાદ: શહેરની રોનક ગણાતા સીજીરોડ પર દિન-પ્રતિદિન ખાણી-પીણીની લારીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. એક પ્રકારે સીજીરોડ અનધિકૃત રીતે ખાણી-પીણીના બજાર તરીકે વિકસી રહ્યો છે. સીજીરોડ પર અન્ય ધંધાર્થીઓના લારી-ગલ્લાઓ પણ ટ્રાફિકને અડચણરૂપ બન્યા છે, પરંતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓને સીજીરોડનું ગૌરવ જાળવી રાખવામાં રસ નથી.

છેલ્લા કેટલાક સમય સીજીરોડની ગરિમાને લારી-ગલ્લાના અનધિકૃત દબાણથી દાગ લાગ્યો છે. સીજીરોડ પર પાર્કિંગની જગ્યાઓમાં પણ લારી-ગલ્લા જોવા મળે છે. જે રીતે આશ્રમરોડ પરના ગેરકાયદે લારી-ગલ્લાના ધંધાર્થીઓ મોટી રકમની ઉઘરાણી કરતી એસ્ટેટ વિભાગની દબાણની ગાડી અને દબાણ હટાવવાના સ્ટાફના કારણે દૂર થતા નથી તે જ પ્રકારની રીતરસમ એસ્ટેટ વિભાગ દ્વારા સીજીરોડ પરના ગેરકાયદે ધંધાર્થીઓને છાવરવા અપનાવાઇ રહી છે. પરિણામે સીજીરોડ પરના દબાણ સતત વધી રહ્યા છે.

મૂકેશકુમાર સમક્ષ સીજીરોડ ખાતે પાર્કિંગ જગ્યાએ ઊભા રહેતા લારી-ગલ્લાના ધંધાર્થીઓ અંગેની ફરિયાદ આવતાં તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. મૂકેશકુમારે સીજીરોડને તત્કાળ દબાણમુક્ત કરવાની પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગને સૂચના અાપી છે, પરંતુ હજુ સુધી એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યો નથી.

(5:50 pm IST)