Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

અમદાવાદમાં હાર્દિકનો હુંકારઃ ભાજપને ઘરભેગી કરવા હાકલ

સવારે ૯ કલાકથી શરૂ થયેલા હાર્દિક પટેલ ૫૨ કિ.મી. રોડ શોમાં સ્વયંભૂ હજારો પાટીદારો જોડાયાઃ રાત્રે નીકોલમાં જનક્રાંતિ સભામાં ભાજપ અને મોદી પર પ્રહાર કર્યા : ૨૦૨૨માં ભાજપને ફરી બેસાડજો પરંતુ આ વખતે અત્યાચારી : ભાજપને હરાવવાનું ભૂલતા નહી... ૧૮મીએ અહંકારીઓને હરાવીને : ગુજરાતને નવા પરિવર્તનની ભેટ આપજો

રાજકોટ તા. ૧૨ : અમદાવાદમાં હાર્દિક પટેલનો ગઇકાલે ભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં સ્વયંભૂ પાટીદાર હજારો યુવાનો જોડાયા હતા. તો રાત્રે નિકોલ ખાતે મળેલ જનક્રાંતિ મહાસભામાં પાટીદારોને અત્યારથી ભાજપને ઘરભેગી કરવા હાકલ કરી હતી.

પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદના નવા નિકોલ ખાતેની સભામાં હજારો પાટીદારો ઉમટયા હતા. સવારથી ૯ વાગ્યાથી લઇને ૫૨ કિલોમીટરના રોડ શોમાં હાર્દિકે મોટી જન મેદની જોડાઇ હતી. પાટીદારોએ હવે અમદાવાદની સભામાં ૧૬ બેઠકો પર ભાજપને હાકી કાઢવા માટે આહવાન કર્યું હતું. ગુજરાતમાં વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. અને કહ્યું કે પાકિસ્તાન અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને શુ લેવા દેવા છે. મોદી સાહેબ વિકાસની વાતો કરે છે. નોટબંધી કરવાપાછળનું કારણ વેપારીઓને હેરાન કરવાનું હતું.

પાસના નેતા હાર્દિક પટેલે નવા નિકોલ ખાતે યોજાયેલી જંગી સભામાં પાટીદાર મા-બહેનો પર અત્યાચાર કરનારી અને પટેલ યુવાનોની હત્યા કરનારી ભાજપને મત નહીં આપીને ઘરભેગી કરવા માટે હજ્જારો લોકોને શપથ લેવડાવ્યા હતા. હાર્દિકે હુંકાર કરતા કહ્યું હતું કે, આ ફકત પાટીદારોની લડાઇ નથી પણ છ કરોડ ગુજરાતીઓએ ભેગા થઇને ઘમંડીઓને પોતાનો પાવર બતાવવાનો છે. હાર્દિકે કહ્યું હતું કે, ૨૦૨૨માં ભાજપને ફરી બેસાડજો પણ એક વખત તો આ અત્યાચારીઓને હરાવવાના છે તે ભૂલી ના જતા. બીજાને ચાન્સ આપશો તો ખબર પડશે ને કે તે સારા છે કે નહીં? ૧૮મીએ અહંકારીઓને હરાવીને ગુજરાતની જનતાને નવા પરિવર્તનની ભેટ આપવાની છે. પીએમ નરેન્દ્રભાઇ મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે, તેમને ચૂંટણી સમયે વિકાસના બદલે હિન્દુ-મુસ્લિમ, ભારત-પાકિસ્તાન અને અયોધ્યાની યાદ આવવા લાગી છે. જેને ચૂંટણી સાથે કોઇ લેવાદેવા નથી.

સભામાં ફકત પાટીદાર જ નહીં અન્ય સમાજના લોકો પણ હાર્દિકનું અભિવાદન કરવા ઉમટ્યા હતા. 

હાર્દિકે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને સુરત અત્યાચારીઓ સામે મતદાન કરી આવ્યા અને હવે આંદોલનમાં સૌથી વધુ પોલીસ અત્યાચાર થયો હતો તેવા નિકોલ, વટવા, બાપુનગર, ઠક્કરબાપાનગર, ઘાટલોડિયા, નારણપુરા વિગેરે વિસ્તારોના લોકોનો વારો છે. અમદાવાદની તમામ ૧૬ બેઠક પર ભાજપને હરાવવાનું છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા તે દર્શાવે છે કે બધાને પરિવર્તન જોઇએ છે. હું કોંગ્રેસનો માણસ નથી પરંતુ મા-બહેનોને ગાળો બોલી અત્યાચાર કર્યો તે મારો દુશ્મન છે. તે કહેતા ભાજપને હરાવી સત્તા પર બેસવા માગતો નથી તેવી સ્પષ્ટતા પણ હાર્દિકે કરી હતી.

નિકોલમાં પીએમ મોદી આવ્યા ત્યારે નિકોલની કે વેપારીઓની સમસ્યાની વાતો ના કરી અને બાકી બધું જ બોલ્યા હતા. તેઓ પાટીદાર શહીદના ઘરે જઇને આશ્વાસન આપશે કે યુવાનોના ભવિષ્ય-રોજગારીની વાતો કરશે તેવું પણ ના બોલ્યા. મારે સભામાં આક્રોશની વાત નથી જોઇતી પણ ભાજપને હરાવે તેવું પરિણામ આવે તેવી સિંહ ગર્જના કરવાની છે. હાર્દિકે કહ્યું હતું કે, ભવિષ્ય સારૂ અને સ્વમાનવાળુ જોઇતું હોય તો પરિવર્તન લાવવું પડશે તેમ કહ્યું હતું.

તેણે કહ્યું કે, જો સરકાર બિનઅનામતને અનામત, બેરોજગારીમાં ઘટાડો કરે અને ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ આપે તો પોતે આંદોલન બંધ કરવા તૈયાર છે. કેશુભાઇ પટેલની સભામાં પણ ભીડ થતી હતી પરંતુ મત તો બધાએ ભાજપને જ આપ્યા હતા એટલે આ વખતે તેવું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવા લોકોને સચેત કર્યા હતા. જો તેમ થશે તો ૧૮મી પછી તમારો ઇતિહાસ બની જશે અને નહીં જાગો તો આવનારી પેઢી તમને માફ નહીં કરે.(૨૧.૨૧)

હાર્દિક વૈશ્વિક સ્તરે ઉભર્યોઃ નિકોલની સભા ૫૨ હજારે નીહાળીઃ નવો કિર્તીમાન

હાર્દિક પટેલની અમદાવાદના નિકોલની સભાને ફેશબુક ઉપર બાવન હજાર લોકોએ નિહાળ્યાનો રેકોર્ડ થવા પામ્યો હતો. લગભગ ૪૫ મિનીટ સુધી હાર્દિક બોલ્યો હતો. હાર્દિકને પણ ચાલુ સભાએ તેની જાણ થતા કહ્યું હતું કે હવે અમેરિકાવાળા મને બોલાવશે. સોશિયલ મીડિયામાં તાજેતરમાં હાર્દિકને ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે તેની સભાઓની રેકોર્ડબ્રેક વ્યુઅરશીપ માટે અમેરિકા બોલાવ્યો છે.

(3:37 pm IST)