Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

અનામત આંદોલનનું ઓપી સેન્ટર એટલે મહેસાણા

મહેસાણા બની ગઈ છે હાઈપ્રોફાઈલ જંગ... : ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામે કોંગ્રેસના જીવાભાઈ પટેલ વચ્ચે ટક્કરઃ હાર અને જીતનું કારણ બની રહેશે પાટીદાર ફેકટર : આ બેઠક ઉપરથી કુલ ૩૪ ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે...! : ૨૫ અપક્ષ ઉમેદવારો

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ચૂંટણીના બીજા તબક્કાની બેઠકોમાં ૨૫ - મહેસાણા બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે.

કારણ કે રાજયના નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલ પાટીદારના અસંતોષ વચ્ચે ચૂંટણી લડી રહ્યા છે. તો સામે કોંગ્રેસ પક્ષે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

૧૪મી ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાની મતદાન બેઠકો જીતવા તમામ પક્ષો એડીનુ જોર લગાવી રહ્યા છે. આ બેઠકોમાં મહેસાણા બેઠક વધુ ચર્ચામાં છે ત્યારે આ બેઠકને નજીકથી જોઈએ તો...

પૌરાણિક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ જેવા પુરાણોની માહિતી અનુસાર પૌરાણિક કાળમાં મહેસાણા જીલ્લો અનિત કે અપરાંત પ્રદેશના ભાગ તરીકે વર્ણવાયો છે. લોક મુખે ચાલતી ચર્ચા અનુસાર મહેસાણા નગર મેસાજી ચાવડા નામના રાજપૂતે વસાવ્યુ હોવાનું મનાય છે.

કહેવાય છે કે ઈ. સ. ૧૩૫૮માં ભાદરવા સુદની દશમે મેસાજી ચાવડાએ તોરણવાળી માતાની સ્થાપના કરી મહેસાણા ગામનો પાયો નાખ્યો હતો તે પછી ગામના વસવાટનું તોરણ બાંધવામાં આવ્યુ. મહેસાણાની સ્થાપનામાં એક માત્ર સાક્ષી તોરણવાળી માતા આશરે ૬૪૯ વર્ષથી અખંડ દિવાની જયોત પ્રસરાવી રહ્યા છે.

મહેસાણા જીલ્લો હાલના ગાંધીનગર અને પાટણ જીલ્લાનો બનેલો હતો. ૧૯૯૭ના વર્ષમાં મહેસાણા જીલ્લામાંથી પાટણ જીલ્લો છૂટો પડ્યા બાદ નવ તાલુકાનો મહેસાણા બન્યો.

હવે જો આપણે આ બેઠકના મતદારોની સ્થિતિ જોઈએ તો અહીં ૨,૫૭,૪૩૫ જેટલા મતદારો નોંધાયેલ છે. જેમાં ૭૭,૦૦૦ જેટલા કળવા પાટીદાર, ૧૬,૦૦૦ જેટલા લેઉવા પાટીદાર, ૪૧,૦૦૦ જેટલા ઠાકોર પાટીદાર, ૪૩,૫૦૦ જેટલા એસ. સી. મતદાતાઓ, ૧૦,૦૦૦ જેટલા ચૌધરી, ૧૦૦૦૦ જેટલા બ્રાહ્મણો, ૧૦ હજાર જેટલા દરબારો, ૭ હજાર જેટલા રબારીઓ, ૫ હજાર જેટલા જૈન તથા ૩૬ હજારથી વધુ મતદાતાઓ અન્ય જ્ઞાતિમાંથી આવે છે.

આ બેઠકનો છેલ્લા ૩૦ વર્ષનો ઈતિહાસ જોઈએ તો મુખ્ય રાજકીય પક્ષો પટેલ ઉમેદવારોની જ પસંદગી કરી રહ્યા છે. આ સ્થિતિ જોતા આ બેઠક પર પાટીદાર સમાજના મતોનું પ્રભુત્વ વધુ જણાય છે અને હાલ પાટીદાર ભાજપથી નારાજ જણાય છે અને આમ પણ મહેસાણા અનામત આંદોલનનું ઓપી સેન્ટર જ ગણાય છે.

આ કારણે જ ભાજપે મહેસાણા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા ગુમાવવી પડી છે. આજ બેઠક પર દૂધસાગર ડેરી આવેલી છે. જેમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત ખેંચતાણ ચાલુ છે.

જેને લઈને નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા એવા નીતિનભાઈએ ખુદ આ બેઠકના બદલે અન્ય બેઠક પરથી લડવાની માંગ હાઈકમાન્ડને કરી હોવાનું પણ કહેવાય છે. પરંતુ હાઈકમાન્ડે તેમને આ બેઠક પરથી જ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

૧૯૬૨ થી ૨૦૧૨ સુધીના આ બેઠકના પરિણામોની એક ઝલક જોઈએ તો... ૧૯૬૨માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર શાંતિબેન પટેલ, તો ૧૯૬૭માં સ્વતંત્ર પાર્ટીના કે. જે. યાજ્ઞિક, ૧૯૭૨માં ફરી કોંગ્રેસના ઉમેદવાર દયાશંકર ત્રિવેદી, ૧૯૭૫માં કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન)ના ઉમેદવાર ભાવસિંહજી ઝાલા તો ૧૯૮૦માં ફરી કોંગ્રેસ (ઈન્દીરા)ના ઉમેદવાર ભાવસિંહજી ઝાલા જ જીત્યા હતા.

જયારે ૧૯૮૧ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર એ. આર. ભાવસિંહજી જીત્યા. તો ૧૯૮૫માં ફરી કોંગ્રેસ જ જીત્યુ. પરંતુ આ વેળાએ ઉમેદવાર હતા પટેલ મણીલાલ તેમણે ભાજપના રાજપૂત ચંદ્રસિંહને આશરે ૨૦,૦૦૦ જેટલા જંગી મતોથી હરાવ્યા. જાણે ભાજપને લાગી આવ્યુ હોય તેમ. બસ ત્યાર પછી આ બેઠક પર જાણે ભાજપનો જ કબજો રહ્યો છે.

૧૯૯૦ના વર્ષમાં ભાજપે ખોડાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર માથુરજીને ૩૯૦૦ જેટલા મતોથી હરાવી આ બેઠક પર ભાજપને એન્ટ્રી અપાવી... ૧૯૯૫માં અને ૧૯૯૮માં ફરી ભાજપમાંથી ખોડાભાઈ પટેલે જીત મેળવી.

સમય આગળ સરતો ગયો... રાજકીય આલમના સમીકરણો પણ બદલાતા ગયા. ૨૦૦૨ના વર્ષમાં ભાજપે એપોલો ગ્રુપવાળા અનિલભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા તો સામે કોંગ્રેસે જીવાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા... આ વખતે પણ ભાજપે બાજી મારી અનિલભાઈએ જીવાભાઈને ૧૭,૭૦૦થી વધુ મતોથી હરાવ્યા.

૨૦૦૭ના વર્ષમાં બીજેપીએ ફરી અનિલભાઈને જ ઉતાર્યા તો કોંગ્રેસે ઉમેદવાર બદલી નરેશકુમાર રાવલને કમાન સોંપી. આ વેળાએ પણ અનિલભાઈએ ૧૬,૩૦૦ જેટલા મતોથી નરેશભાઈને હરાવ્યા.

પરંતુ ગત ૨૦૧૨ની ચૂંટણીમાં નીતિનભાઈ પટેલે પોતાનો કડી મત વિસ્તાર બદલીને મહેસાણા બેઠક પરથી ઝંપલાવ્યુ તો સામે કોંગ્રેસમાંથી પટેલ નટવરલાલ ઉતર્યા... ઉમેદવાર બદલાતા રહ્યા.. જીત તો ભાજપને જ મળતી રહી આ વેળાએ નીતિનભાઈએ નટવરલાલને ૨૪,૨૦૦ જેટલા જંગી મતોથી હરાવ્યા.

જો કે આ વેળાએ એટલે કે ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ માટે જીત આટલી સરળ નહિં હોય. એટલે આ બેઠક ઉપર જબરી ખેંચતાણ ચાલી રહી છે. નીતિનભાઈ પટેલને હરાવવા પાટીદારો કોઈ કચાસ છોડવા માંગતા નથી.

આ બેઠક ઉપરથી રાજયભરમાં કદાચ હાઈએસ્ટ કહી શકાય તેટલા ૩૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, આપ જેવી પાર્ટીઓ ઉપરાંત ૨૫ ઉમેદવારો અપક્ષ ચંૂટણી લડી રહ્યા છે. જેનો સીધો મતલબ એ થાય કે ભાજપના મત તોડવા પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે.

છેલ્લા ૨૨ વર્ષથી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું અધિપત્ય જોવા મળી રહ્યુ છે. સવાલ એ છે કે આ ચૂંટણીમાં પણ ભાજપ પોતાનું શાસન આ બેઠક પર જાળવી રાખશે...? કે પછી કોંગ્રેસને એન્ટ્રી કરવાની તક મળશે...?

આનો જવાબ તો ૧૮મી ડિસેમ્બરને સોમવારે જ મળશે.

મહેસાણા - ૨૫ બેઠકના ભાજપના ઉમેદવાર  નીતિનભાઈ પટેલ પરિચયની પાંખેઃ ૬૧ વર્ષીય નીતિનભાઈ સરકારમાં નંબર-૨ની પોઝીશન ધરાવે છે

મહેસાણા બેઠકના આ વેળાના જંગમાં ૩૪ ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. જો કે તેમાં મુખ્યસ્પર્ધા ભાજપના ઉમેદવાર શ્રી નીતિનભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ વચ્ચે જ રહેશે તેમ જણાય છે.

આ વેળાએ આવો આપણે આ બંને ઉમેદવારોનો સંક્ષિપ્તમાં પરિચય જોઈએ તો...

શ્રી નીતિનભાઈ પટેલનો ૨૨મી જૂન ૧૯૫૬ના રોજ વીસનગરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કડીની સર્વા વિશ્વવિદ્યાલયમાંથી લીધા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોંગ્રેસના સ્નાતક તરીકે ડિગ્રી મેળવી.

પુત્ર લક્ષણ પારણામાં તેમ કોલેજ કાળથી જ નીતિનભાઈમાં નેતાગીરીના લક્ષણો જણાતા હતા. મ્યુનિસિપાલીટીના કોર્પોરેટર તરીકે કારકિર્દી શરૂ કરી અને ખૂબ જ ટૂંકાગાળામાં પહેલી વખત ધારાસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ અને ભવ્ય જીત મેળવી.

ગુજરાત સરકારમાં આરોગ્ય, ગ્રામીણ ડેવલોપમેન્ટ, એગ્રીકલ્ચર, મહેસુલ અને નાણામંત્રી સહિતના મહત્વના ખાતાઓની જવાબદારી સુપેરે સંભાળી. એટલુ જ નહિં મુખ્યમંત્રી બનતા બનતા જરાક માટે રહી ગયા. હાલ ઉપમુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવી રહ્યા છે.

નીતિનભાઈ પ્રસિદ્ધિમાં ઓછુ માને છે પડછા પાછળ રહી કામ કરવામાં વધુ માને છે. આશરે છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલ નીતિનભાઈ અત્યારે સરકારમાં નંબર - ૨ની પોઝીશન ધરાવે છે. રાજકીય આલમમાં બહોળો અનુભવ ધરાવતા નીતિનભાઈ કોટન જીનીંગ વ્યવસાય સાથે પણ સંકળાયેલ છે.

૨૦૧૨ના વર્ષમાં નીતિનભાઈએ પોતાનું મતવિસ્તાર બદલી મહેસાણા બેઠક પરથી ઝંપલાવી ભવ્ય જીત પણ મેળવી હતી અને હવે ફરી ૨૦૧૭માં આ જ બેઠક પરથી ઝંપલાવ્યુ છે.

હવે જોઈએ અહીં આ વેળાએ નીતિનભાઈનો રાજકીય અનુભવ અને તેમણે કરેલા કાર્યો કામ આવશે... કે ચાલશે... જ્ઞાતિનું સમીકરણ...?

કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ પરિચયની પાંખેઃ ૭૯ વર્ષીય જીવાભાઈ ઉદ્યોગપતિની પણ ભૂમિકા ભજવે છે...: લોકસભા જંગ જીત્યા બાદ હવે ઝંપલાવ્યુ છે વિધાનસભામાં....

મહેસાણા-૨૫ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલને નજીકથી જોઈએ તો...

૩૦મી એપ્રિલ ૧૯૩૮ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણાના માંકનેજ ગામે જન્મ. માતાનું નામ મીનાબેન અને પિતાનું નામ અંબાલાલભાઈ. બાળપણથી જ કોઠાસૂઝ ધરાતા જીવાભાઈએ ટેક્ષટાઈલ વિષયમાં ડિપ્લોમા કર્યુ છે. આપમેળે રસ્તાઓ શોધી ધંધે વળગ્યા... આકરી મહેનત અને ભારે સંઘર્ષ બાદ જીવનમાં સફળતા મેળવી. ભલે સમય લાગ્યો પરંતુ આજે તેમની ગણના એક સફળ ઉદ્યોગપતિમાં થાય છે.

પારીવારિક જીવનની એક ઝલક જોઈએ તો જીવાભાઈની પ્રગતિમાં તેમના ધર્મપત્નિ ચંપાબેનનો પણ સિંહફાળો રહ્યો છે. ૩ પુત્રરત્ન ધરાવતા જીવાભાઈ સુરતના ઉદ્યોગપતિઓમાં અદકેરૂ સ્થાન ધરાવે છે. વતન માટે કંઈક કરી છૂટવાની હંમેશા ખેવના ધરાવતા જીવાભાઈએ પોતાનું વતન માંકનેજની શકલ બદલાવી નાખી છે.

સહકારી ક્ષેત્રે આગેવાની કર્યા બાદ કોંગ્રેસ તરફથી ૧૪મી લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી ઝંપલાવી સાંસદ બન્યા અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જ મહેસાણા બેઠક પરથી ઝંપલાવ્યુ છે.

પાટીદારોની ભાજપ તરફની નારાજગી જીવાભાઈની જીત સરળ બનાવશે... કે પછી મતદારો ભાજપને જ રહેશે વફાદાર...?

(11:45 am IST)