Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

લાંચ લેતા ઝડપાયેલા સોલા સિવિલના વહીવટી અધિકારી ડો,શૈલેષ પટેલની જમીન અરજી નામંજૂર

કોરોનાના સમયમાં ભ્રષ્ટાચાર દુર્ભાગ્યપુર્ણઃ જામીન મળે તો આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે :અમદાવાદ ગ્રામ્ય કોર્ટ

અમદાવાદ :સિવિલમાં કેટરિંગના બિલ પાસ કરવાવવા 8 લાખની લાંચના કેસમાં પકડાયેલા હોસ્પિટલના વહિવટી અધિકારી ડો. શૈલેષ પટેલના જામીન સ્થાનિક કોર્ટે નામંજૂર કર્યા છે ડો, શૈલેષ પટેલની સોલા સિવિલના RMO ડો. ઉપેન્દ્ર પટેલ સાથે ACBએ 29 ઓક્ટોબરે 8 લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરી હતી. જેમાં શૈલેષ પટેલે જામીન મેળવવા અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાનમાં કોર્ટે પુરાવા સાથે ચેડાં થવાની સંભાવનાને ધ્યાને રાખી આરોપીના જામીન નામંજૂર કર્યા છે

કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે,કોરોના મહામારીના કટોકટીના સમયમાં જ્યારે સરકારી કર્મચારીઓને પૂરા પગાર મળી રહ્યાં છે અને લોકો ડૉકટરોને ભગવાન માની રહ્યાં છે. એવા સમયમાં પણ ભ્રષ્ટાચાર ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે અને આવા ભ્રષ્ટાચારથી સમાજના વિશ્વાસ અને અર્થતંત્ર પર ફટકો પડે છે.”

કોર્ટે જણાવ્યું કે સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર રહેનાર ડૉકટર્સ અને સ્ટાફને ભોજન તેમજ ચા-પાણી સહિતની સુવિધા પૂરી પાડનાર કોન્ટ્રાક્ટરના ભાઇ આ કેસના ફરિયાદી છે.

તેમણે ડૉ. શૈલેષ પટેલ (ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેટીવ અધિકારી) અને RMO ડૉ. ઉપેન્દ્ર પટેલ સામે કોરોનાકાળ દરમ્યાન પેન્ડિંગ 1 કરોડથી વધુની રકમના બિલ પાસ કરવા અને કેન્ટીનનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા કુલ 8 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કર્યો છે.

 

(7:08 pm IST)