Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કોરોનામાં ગરીબીના કારણે દિકરીને ઓનલાઇન ભણવામાં મદદ નહીં કરી શકનારા સુરતના એક પિતાનો ગળે ફાંસો ખાઇને આપઘાતઃ 5 સભ્‍યોનો પરિવાર નિરાધાર

સુરતઃ કોરોનામાં ગરીબીને કારણે દિકરીને ઓનલાઇન ભણવામાં મદદ નહીં કરી શકનારા સુરતના એક પિતાએ આપઘાત કરી લીધો. બુધવારે તાપી નદીના કાંઠે એક ઝુંપડામાં કોઇ આધેડ શખસે ગળેફાંસો ખાઇ જીવન સંકેલી લેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે સુરતના ડુમસ રોડ પર ગવિયર ગામના ભાટિયા ફાર્મ હાઉસ પાસેની વસવાટમાં રહેતા બાપીભાઇ નાયકની આ લાશ છે. બાપીભાઇ ભાટિયા ફાર્મ હાઉસમાં માળી કમ વોચમેન તરીકે કામ કરતા હતા.

  • 6 સભ્યોના પરિવારનું ભરણ-પોષણ મુશ્કેલ હતું

ચાર બાળકો સહિત 6 સભ્યોનું ગુજરાન ટુંકા પગારમાં થઇ શકતું નહતું. તેવા સમયે સ્કૂલો બંધ થતાં બાળકોનું ભણતર પણ અટકી ગયું. એક દિકરી ધોરણમાં અભ્યાસ કરે છે. તેને ઓનલાઇન ભણવા માટે મોબાઇલની તાતી જરુર હોવા છતાં બાપીભાઇ દિકરીને મોબાઇલ લાવી આપવા જેટલા સમર્થ નહતા.

પરિણામે અંદર અંદર મુંઝાયા કરતા હતા. છેવટે તેમણે બુધવારે જીવન ટુંકાવી (suicide) નાંખવાનો નિર્ણય કર્યો અને તાપી નજીકના એક ઝુંપડા જઇ ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હતો.

  • બાપીભાઇના મોત બાદ બાકી પાંચ સભ્યો નિરાધાર થઇ ગયા છે.

નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે છેલ્લા 8 મહિનાથી સ્કૂલ-કોલેજો બંધ છે. ઘણી સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ કરાયું છે. પરંતુ તેના માટે મોબાઇલ કે કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા હોવી આવશ્યક છે.

પરંતુ આપણા દેશમાં તમામ લોકો એટલા સમૃદ્ધ હજુ થયા નથી. અનેક પરિવાર કારમી ગરીબીમાં જીવે છે. જેમને સૌથી પહેલાં તો બે ટંકની રોટી અને તેના માટે રોજીની ચિંતા સતાવે છે. વળી લોકડાઉનને કારણે કરોડો લોકો બેરોજગાર થઇ ગયા. તેમની આર્થિક સ્થિતિ દયનીય થઇ ગઇ છે.

  • ઓનલાઇન ભણતરે ગરીબ પરિવારોની ચિંતા વધારી

આવા સંજોગોમાં એક કે બેથી વધુ બાળકોના પરિવારજનોની ચિંતા બમણી થઇ ગઇ છે. જેમને દરેક બાળકને મોબાઇલ અપાવવાની ફરજ પડી છે. જ્યાં એક મોબાઇલના ફાંફા હોય તો દરેક બાળક માટે તેની વ્યવસ્થા ક્યાંથી થઇ શકે.

આવી જ માનસિક સ્થિતિમાંથી બાપીભાઇ પસાર થતા હશે. જેના વિશે વિચારીને જ હૃદય કંપી ઊઠે છે કે બાપીભાઇ પર દુઃખનું કેટલું મોટું પહાડ તૂટી પડ્યું હશે કે તેમણે ચાર બાળકો અને પત્નિને વિલાપ કરતા મુકી મોતને વ્હાલું કરી લીધું.

(4:37 pm IST)