Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

કારોબારી પાસેથી બિનખેતીની સત્તા સરકાર પાછી ખેંચી લેશે

ભ્રષ્ટાચારનો દરવાજો બંધ કરવા ઓન લાઇન પધ્ધતિઃ મુખ્યમંત્રી રૂપાણીની અકિલા સાથે વાતચીત

રાજકોટ તા. ૧ર :.. રાજય સરકારે બિનખેતી પધ્ધતિમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરીયાદો નિવારવા કલેકટર તંત્રમાં આજથી ઓન લાઇન બિનખેતી પધ્ધતિનો વિધીવત પ્રારંભ કર્યો છે. આવતા એકાદ મહિનામાં જિલ્લા પંચાયતોના કાર્યક્ષેત્રમાં પણ ઓન લાઇન એન. એ. પધ્ધતિ દાખલ કરી ભ્રષ્ટાચારનો દરવાજો બંધ કરવા સરકાર આગળ વધી રહી છે. પંચાયતોમાં બિનખેતીની મંજૂરીમાં હાલ ચૂંટાયેલા સભ્યોની બનેલી કારોબારી સમિતિની ભૂમિકા રહેતી હોવાથી સમિતિ હસ્તકની આ સભા સરકાર પાછી  ખેંચી લેશે. જે જનસેવકો કારોબારીના માધ્યમથી બિનખેતીના કાવડીયા કટકટાવવા ટેવાયેલા છે તેના માટે 'અચ્છે દિન' પુરા થવામાં છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કારોબારી સમિતિ પાસેથી બિનખેતીની સત્તા પાછી ખેંચી લેવા માટે કાયદામાં ફેરફારની જરૂર નથી. સરકાર ઠરાવનો પરિપત્ર કરીને સત્તા હસ્તાંતરણ કરી શકે છે. બિનખેતીની અરજી અને એન. ઓ. સી. ઓન લાઇન મંગાવી અધિકારીઓ જ નિયત સમય મર્યાદામાં મંજૂરી આપી શકશે. પંચાયતોમાં બિનખેતીની સત્તા કલેકટર અથવા જિલ્લા વિકાસ અધિકારીને (મોટાભાગે વિકાસ અધિકારીને) આપવામાં આવશે. અરજદારને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા વિના ગણતરીના   દિવસોમાં જ બિનખેતીની મંજૂરી મળી જાય તેવો સરકારનો પ્રયાસ છે.

દરમિયાન આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અકિલા સાથેની વાતચીતમાં ઉપરોકત મતલબનો નિર્દેષ કરી ઉમેરેલ કે પંચાયતોમાં ઓન લાઇન બિનખેતી પધ્ધતિ માટે સરકાર આવશ્યક કાયદાકીય પ્રક્રિયા ટૂંક સમયમાં જ કરશે. ઓન લાઇન પધ્ધતિમાં અધિકારી કક્ષાએ સંપૂર્ણ પારદર્શક પધ્ધતિથી બિનખેતી મંજૂરી પ્રક્રિયા કરવામાં આવશે. ભ્રષ્ટાચારને કોઇ અવકાશ રહેશે નહિં.

(11:48 am IST)