Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

યુવતીની હત્યાના કેસમાં મહેકા ઠાકોરની આખરે થયેલ ધરપકડ

આકાશ અમન પાર્ટી પ્લોટ પાસેથી લાશ મળી હતી : મરનાર યુવતીને તેની સાથે પ્રેમ હોવા છતાં બીજા યુવકની સાથે લગ્ન કર્યા હોવાથી મહેકાએ ઘાતકી હત્યા કરી હતી

અમદાવાદ, તા.૧૧ : શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આકાશ અમન પાર્ટી પ્લોટ પાસેથી ગઇકાલે યુવતીનો મૃતદેહ મળવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે આરોપી હત્યારા પ્રેમી મહેકા ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. આરોપી પ્રેમી મહેકા ઠાકોર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને યુવતીએ તેની સાથે પ્રેમસંબંધ હોવાછતાં અન્ય યુવક સાથે લગ્ન કરી લેતાં તેણે તેણીને બોથડ પદાર્થ વડે પતાવી દીધી હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી હતી. જો કે, પોલીસે સમગ્ર બનાવ અંગે આગળની તપાસ જારી રાખી છે. શહેરમાં તાજેતરમાં એક પછી એક હત્યાની ઘટનાઓ વધી રહી છે. ગઇકાલે સવારે શહેરના જીવરાજ પાર્ક પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં વાસણા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી તો સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડયા હતા. પોલીસે આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને આ કેસમાં આરોપી પ્રેમી મહેકા ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં એ વાત પણ સ્પષ્ટ થઇ હતી કે, આ યુવતીની હત્યા બોથડ પદાર્થના ઘા મારીને કરવામાં આવી હતી. મૃતક યુવતી હીના મારવાડીના લગ્ન ત્રણેક વર્ષ પહેલાં સજય મરાઠી સાથે થયા હતા. લગ્ન બાદ પોતાના પતિ સાથે અવારનવાર ઝઘડો થતો હતો. જેના કારણે તે પતિના ઘરે રહેવાને બદલે ભુદરપુરામાં આવેલ તેના માસીને ઘરે જ રહેતી હતી. તેના પતિનું ઘર પણ આ જ વિસ્તારમાં છે. તેના પતિથી તેને દોઢ વર્ષનો બાળક પણ છે. ઉલ્લેખનીય છે કે આ યુવતી જ્યારથી પતિનું ઘર છોડીને આવી હતી ત્યારથી તેને અન્ય યુવાન મહેકા ઠાકોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમી યુવક અને મૃતક યુવતી લગભગ રોજ રાતે અમન આકાશ પાર્ટી પ્લોટની બાજુમા આવેલ ખુલ્લા પ્લોટમાં બેસતા હતાં. દારૂ પીવાની ટેવવાળા મહેકા ઠાકોરે દારૂના નશામાં યુવતીની હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે, તેથી પોલીસે ધરપકડ કરાયેલા મહેકા ઠાકોરની આકરી પૂછપરછ કરી કેસની ખૂટતી કડીઓ મેળવવાની દિશામાં તપાસ વેગવંતી બનાવી હતી, જેમાં મરનાર યુવતીએ તેની સાથે પ્રેમસંબંધ હોવાછતાં અન્ય યુવક સાથે લગ્ન કરી લેતાં આરોપી પ્રેમી મહેકા ઠાકોરે તેણીને બોથડ પદાર્થ વડે પતાવી દીધી હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી હતી.

(7:51 pm IST)