Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સચિનને સંગીતા મેટરનીટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

પેથાપુર કેસમાં સચિન સાથે LCB બોપલ પહોંચી : અમદાવાદના બોપલ ખાતે આરોપી સચિનને લઇ મૃતક મહેંકીના માસાના ઘરે એલસીબીની ટીમ પહોંચી હતી

અમદાવાદ,  તા.૧૨ : પેથાપુરમાંથી બાળક મળી આવ્યાના ચર્ચિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ આખરે સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો છે. જો કે, બાળકની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે બાળકના પિતાને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ત્યારે આ કેસમાં ગાંધીનગર એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપી સચિન દીક્ષિતને લઇ આજે એલસીબીની ટીમ અમદાવાદ પહોંચી હતી. અમદાવાદના બોપલ ખાતે આરોપી સચિનને લઇ મૃતક મહેંકીના માસાના ઘરે એલસીબીની ટીમ પહોંચી હતી. આરોપી સચિનને સાથે રાખી બોપલના વિશ્વકુંજ ૧ ફેલ્ટમાં એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ તપાસમાં એલસીબી દ્વારા મૃતક મહેંદીના માસા સહિત આડોશ પાડોશમાં રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવશે.

જો કે, આ પહેલા આરોપી સચિનને બોપલ ખાતે સંગીતા મેટરનીટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકનો જન્મ થયો હતો. ત્યારે સચિન દીક્ષિત કેસ મામલે ડીવાયએસસપી એમ કે રાણાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના પેથાપુરમાંથી બાળક મળી આવ્યાના કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમાં પોલીસે એસઆઇટી બનાવી છે. જે જગ્યાએ બાળક મળેલું એ જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સચિન દીક્ષિતના ઘરમાં પણ એ લઈ જવામાં આવ્યો હતો. આજે બોપલ વિસ્તારમાં ટીમ સચિનને લઇને ગઈ હતી. અત્યારે અમારી ટીમ મહેંદીના માતા અને માસીની તપાસ કરી રહ્યા છે. તેમના નિવેદન લઇ રહ્યાં છે. સચિન અને યુવતી એટલે કે મહેંદીના મોબાઈલ પણ કબજે કર્યા છે. અહીંની તપાસ પૂરી થાય એટલે વડોદરા લઇ જવામાં આવશે.

(9:05 pm IST)