Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

બારડોલીમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દિવસે 15 મિનિટમાં 10.40 લાખની લૂંટ : સનસનાટી

તમંચા વડે 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવી લૂંટ: તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરતના બારડોલી ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકમાં ધોળેદિવસે ત્રણ લૂંટારુઓએ 10 લાખથી વધારે લૂંટ કરી ફરાર થઈ ગયા છે. તમંચા વડે 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી. જો કે, આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકમાં 3 લૂંટારૂઓ તંમચો લઈ ઘસી આવ્યા હતા. તમંચાની અણીએ બેંકના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસને કરવામાં આવતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, આ લૂંટારૂઓ 15 જ મિનિટમાં લૂટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયા હતા.

આ અંગે પોલીસે બેંક મેનેજર સહિત સ્ટાફના નિવેદન લીધા હતા. જેમાં કર્મચારીઓએ લૂંટારૂઓ બાઈક લઈને કામરેજ તરફ ભાગ્યા હોવાનું જણાવ્યું હતું.

લૂંટારૂઓ લૂંટ કરવા માટે ચોરીની બાઈકનો ઉપયોગ કર્યાની આશંકા સેવવામાં આવી રહી છે. કારણ કે લૂંટને અંજામ આપીને લૂંટારૂ બહાર આવ્યા ત્યારે સૌ પ્રથમ બાઈક સ્ટાર્ટ ન થતાં બે લૂંટારૂ પરત બેંકમાં ગયા જ્યારે એક લૂંટારૂ બાઈક સ્ટાર્ટ કરવામાં લાગ્યો હતો. જ્યારે બાઈક સ્ટાર્ટ થઈ ગઈ ત્યારબાદ લૂંટારૂ ત્રણેય બાઈક પર નીકળ્યા અને આગળ જતાં બાઈક બંધ પડી જતાં ફરી સ્ટાર્ટ કરવાની નોબત આવી હોવાનું પણ સીસીટીવીમાં કેદ થયું છે.

(6:27 pm IST)